News Portal...

Breaking News :

વરસાદ બાદ સફાઈ, રોડ અને પાણી મુદ્દે કમિશનરની આકરી સમીક્ષા, અધિકારીઓને કડક સૂચના..

2026-08-05 11:06:53
વરસાદ બાદ સફાઈ, રોડ અને પાણી મુદ્દે કમિશનરની આકરી સમીક્ષા, અધિકારીઓને કડક સૂચના..

મહાનગરપાલિકા કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ચોમાસાના વરસાદ બાદ શહેરમાં ઊભી થયેલી વિવિધ પરિસ્થિતિઓ, સફાઈ કામગીરી, રસ્તાના સમારકામ, દબાણ હટાવ ઝુંબેશ તથા પીવાના પાણીની ગુણવત્તા અંગે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ કમિશનરે મીડિયા સાથે વાતચીત કરતાં પાલિકાની કામગીરી અને આગામી આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી.

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વરસાદ બાદ શહેરની સફાઈ અને ગટર વ્યવસ્થા સુચારૂ રાખવા બદલ સેનિટેશન ટીમને ખુલ્લા મનથી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ટીમની સતત મહેનતના કારણે શહેરમાં ક્યાંય લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા સર્જાઈ નથી. સામાન્ય રીતે પાલિકામાં દર મહિને 40થી 50 હજાર જેટલી ફરિયાદો મળતી હોય છે, પરંતુ ગત સપ્તાહની સરખામણીએ આ ફરિયાદોના નિકાલમાં 40 ટકાનો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. કમિશનરે અધિકારીઓને લોકોને યોગ્ય રીતે જવાબ આપવા અને તમામ નાગરિક ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા કડક સૂચના આપી છે.

શહેરમાં વરસાદના કારણે પડેલા ખાડાઓની સમસ્યા અંગે બોલતાં કમિશનરે સ્પષ્ટ કર્યું કે રોડ રિપેરિંગની કામગીરી દરરોજ હાથ ધરવામાં આવી રહી છે. હવેથી ચારેય ઝોનમાં ગુણવત્તાયુક્ત રસ્તા બનાવવા માટે એક જ મુખ્ય કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપવામાં આવશે અને સબ-કોન્ટ્રાક્ટ આપવાની પ્રથા પર રોક લગાવવામાં આવશે. નીતિ મુજબ 18 મીટરથી પહોળા રોડ પર ડામરનું કામ કરવામાં આવશે, જ્યારે 18 મીટરથી નાના રોડ પર આરસીસી રસ્તા બનાવવામાં આવશે, જેથી વર્ષો સુધી રસ્તા ખરાબ ન થાય.

આ ઉપરાંત ધારાસભ્યો, સાંસદો અને કોર્પોરેટરો તરફથી આવતી રજૂઆતોનો તાત્કાલિક ઉકેલ લાવવા આદેશ આપવામાં આવ્યા છે. શહેરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા ઉકેલવા માટે રોડ અને ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ વધુ ઝડપી બનાવવામાં આવશે. હવેથી ઝોન લેવલથી જ દબાણ હટાવ ટીમો કાર્યરત થાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

ચોમાસામાં રોગચાળો ન ફેલાય તે માટે વોર્ડ સ્તરે તેમજ પાલિકાની હોસ્પિટલોમાં પ્રિવેન્શન કાર્યક્રમો ચલાવવા સૂચના આપવામાં આવી છે. પીવાના પાણીમાં બ્રાઉન કલરના પાણીની ફરિયાદ અંગે તેમણે ખુલાસો કર્યો કે ચોમાસામાં આવી સમસ્યા સર્જાતી હોય છે, જેના નિવારણ માટે તાત્કાલિક અસરથી સુપર ક્લોરિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

બેઠકમાં કમિશનરે આંગણવાડી તથા હોસ્પિટલના બિલ્ડિંગોનું સમારકામ કરવા, રસ્તા પરના કાદવ-કીચડની સફાઈ કરવા, શહેરના બ્રિજ (પુલ)ની સ્વચ્છતા જાળવવા અને જર્જરિત મકાનો સામે યોગ્ય કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. સાથે જ ઈ-વાહનો માટે નવા ચાર્જિંગ સ્ટેશન બનાવવા અને નાગરિકોને પૂરતું પાણી પૂરું પાડવા માટે વધુ 50 એમએલડી પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

Reporter: admin

Related Post