વડોદરા શહેર પોલીસ દ્વારા યુવાનોને ડ્રગ્સના નશાથી દૂર રાખવા માટે શરૂ કરાયેલા જાગૃતિ અભિયાન અંતર્ગત હરણી વિસ્તારમાં આવેલ સાધુ વાસવાની વિદ્યામંદિરમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર નરસિમ્હા કોમરની સૂચના અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોના નુકસાન અંગે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં DCP ઝોન-4 એન્ડ્રુઝ મેકવાન સહિત SOGના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. જતીયા, વારસિયા પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.જે. મકવાણા તથા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. શાળાના ટ્રસ્ટી ચંદનભાઈ ગીનચંદાલી, પ્રિન્સિપાલ, શિક્ષકો અને આશરે 200 જેટલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
પોલીસ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સના સેવનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી. શોર્ટ ફિલ્મ અને ડિજિટલ PPTના માધ્યમથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.
આ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતે વ્યસનથી દૂર રહેશે અને પરિવારજનોને પણ વ્યસનમુક્ત રાખવા માટે પ્રયાસ કરશે તેવી શપથ લીધી હતી. સાથે જ આસપાસમાં કોઈ વ્યક્તિ નશીલા પદાર્થોના સેવન કે વેચાણ સાથે સંકળાયેલી જણાય તો તેની જાણ વાલી, શિક્ષકો અથવા પોલીસને કરવા અપીલ કરવામાં આવી હતી.
‘મિશન ક્લીન’ અને ‘ઓપરેશન ક્રેક ડાઉન’ અંતર્ગત વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરને નશામુક્ત બનાવવાના હેતુથી શાળા-કોલેજોમાં સતત ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
Reporter: admin







