News Portal...

Breaking News :

પોલીસથી બચવાનો ખેલ ખતમ: ત્રણ મહિનાથી ફરાર ગુજસીટોકનો આરોપી ઝડપાયો

2026-08-05 11:01:45
 પોલીસથી બચવાનો ખેલ ખતમ: ત્રણ મહિનાથી ફરાર ગુજસીટોકનો આરોપી ઝડપાયો

વડોદરા શહેરમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા ત્રણ મહિનાથી ધરપકડ ટાળવા ફરાર રહેલા એક આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી સામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલો હતો અને તેની લાંબા સમયથી શોધખોળ ચાલી રહી હતી.


પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ગુજસીટોકના ગુનાઓમાં ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે સતત તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ વારશિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ગુજસીટોકના ગુનામાં ફરાર રહેલો હેમંત ઉર્ફે બાબુ નાનકરામ સચવાણી પોતાના વારશિયા સ્થિત મકાન પર આવ્યો છે.

બાતમીના આધારે ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ એક વ્યક્તિ ઉતાવળમાં ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરતો દેખાતા પોલીસે તેનો પીછો કરીને કોર્ડન કરી ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેની ઓળખ હેમંત ઉર્ફે બાબુ નાનકરામ સચવાણી, રહેવાસી સંતકંવર કોલોની, વારશિયા તરીકે થઈ હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તે નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ હતો અને છેલ્લા ત્રણ મહિનાથી ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. ગુનાની વધુ તપાસ એફ ડિવિઝનના એસીપી કચેરી દ્વારા કરવામાં આવી રહી હોવાથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત તપાસ અધિકારીને સોંપ્યો છે.

Reporter: admin

Related Post