વડોદરા: વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા જલારામનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ₹1,67,500ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગરમીના કારણે પરિવાર મકાનને તાળું મારી સામેના મકાનના ધાબા પર સૂવા ગયો હતો, તે દરમિયાન ચોરી થઈ હતી.
મીનાબેન સંજયભાઈ આહીર પોતાના બે સંતાનો સાથે રહે છે. તેમના પતિ કર્ણાટકમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરે છે. ગત રાત્રે આશરે 12 વાગ્યે મીનાબેન બાળકો સાથે ઘર બંધ કરી સામેના મકાનના ધાબા પર સૂવા ગયા હતા. સવારે 6 વાગ્યે પરત ફરતા મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલો અને ઘરની લાઈટો ચાલુ જોવા મળી હતી.
ઘરમાં તપાસ કરતાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તસ્કરોએ લોખંડની તિજોરી અને લાકડાના પેટી પલંગના લોક તોડી ₹70 હજારની સોનાની પેન્ડલવાળી ચેઇન, ₹30 હજારનો સોનાનો હાર, સોનાની વીંટી, ઝૂમર, ચાંદીની પાયલ, લક્કી, કમરનો આંકડો અને ₹30 હજારની રોકડ સહિતનો મુદ્દામાલ ચોરી કર્યો હતો.
મીનાબેને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરાયા છે.
Reporter: admin







