વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવનારા વિવિધ આંતરમાળખાકીય અને નાગરિક સુવિધાના કાર્યો અંગે મહત્વના નિર્ણયો લેવા માટે આગામી શુક્રવાર, 19ના રોજ સ્થાયી સમિતિની બેઠક મળી રહી છે. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, ચોમાસાની પૂર્વ તૈયારીઓ, પાણી પુરવઠો, નવા વાહનોની ખરીદી અને જમીન ફાળવણી સહિત કુલ 12 જેટલા મહત્વના કામો નિર્ણય અર્થે રજૂ કરવામાં આવશે.
શહેરીજનોને ટેકનોલોજીના માધ્યમથી ઘરબેઠા સુવિધાઓ આપવા માટે આઈ.ટી. શાખા દ્વારા એક મહત્વનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જેમાં વડોદરા શહેરના નાગરિકોને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓની માહિતી સીધી તેમના મોબાઈલ પર મળી રહે તે માટે મેટા કંપની પાસેથી વોટ્સએપની સર્વિસ લેવાની ભલામણને મંજૂરી અર્થે મુકવામાં આવશે.
આ ઉપરાંત, ચોમાસાની ઋતુના ચાર માસ દરમિયાન રાત્રિના સમયે પણ નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિવારણ કરવા માટે કોલ સેન્ટરમાં વધુ 5 કર્મચારીઓ રાખવામાં આવશે. આ સેવા કોલ સેન્ટર મેનેજમેન્ટ કરતી એજન્સી પાસેથી મેળવી તેનો તમામ ખર્ચ ચૂકવવાની મંજૂરી અપાશે.
આગામી ચોમાસાને ધ્યાને રાખીને ઉત્તર ઝોનમાં ઝાડની ડાળીઓનું ટ્રીમિંગ/કટીંગ, ડિવાઈડર મેઈન્ટેનન્સ અને અર્બન ફોરેસ્ટની જાળવણી માટે ટ્રેક્ટર, ક્રેન અને હાઈડ્રા સહિત માનવદિન સપ્લાય કરવા માટે ઇજારદાર જય અંબે સેનેટરી માર્ટને રૂ. 1 કરોડની મર્યાદામાં કામ સોંપાશે.
બીજી તરફ, બ્રિજ પ્રોજેક્ટ શાખા અંતર્ગત શહેરના મોટા રોડ જંક્શનો તેમજ મીડબ્લોક પર ટ્રાફિક સર્વે કરવા માટે ટેકનિકલ સલાહકાર તરીકે કેન્દ્ર સરકારની સંસ્થાની મુદત અગાઉના મંજૂર થયેલા ભાવો મુજબ વધુ 1 વર્ષ માટે વધારવાની અને તે અંગેની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવાની દરખાસ્ત છે.i
શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થાને વધુ મજબૂત કરવા પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા દ્વારા બે મહત્વની દરખાસ્તો રજૂ કરાશે. પ્રથમ દરખાસ્તમાં નિમેટા ખાતે 75 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને નિમેટાથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધી નવી 1500 મી.મી. ડાયાની નવિન નળિકા નાંખવાના કામમાં ઇજારદાર રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ.ના એક્સ્ટ્રા આઇટમ સહિતના રૂ. 9,37,16,892ના વધારાના ખર્ચને મંજૂરી આપવાની તેમજ સમયમર્યાદા 3 મહિના વધારવાની ભલામણ છે.
જ્યારે બીજી દરખાસ્તમાં રાજ્ય સરકારની પાનમ યોજના હેઠળ મહીસાગર નદીમાંથી ઉપાડવામાં આવતા પાણીના જથ્થા પેટે રૂ. 1039.54 કરોડની રકમનું ચુકવણું કરવા, કરાર કરવા તેમજ રાયકા ખાતે બનનારા નવા 150 એમ.એલ.ડી. ઇન્ટેકવેલ સંબંધિત તમામ પ્રક્રિયા કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કરવામાં આવશે.
બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોનમાં બાપોદ ટીપી-43 માં નવીન ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરી બનાવવા માટે હરી કન્સ્ટ્રક્શનને કામ આપવા, તેમજ ઉત્તર ઝોનના સમા વિસ્તારમાં રંગ અવધૂત સ્કૂલના નવા બિલ્ડિંગના નિર્માણ માટે રિયા કન્સ્ટ્રક્શનના રૂ. 1,44,85,662ના ટેન્ડરને બહાલી અપાશે.
આ ઉપરાંત મિકેનિકલ ખાતા દ્વારા વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા લિ. પાસેથી કુલ રૂ. 57,46,320ના ખર્ચે 8 નંગ નવી બંધ બોડી મહીન્દ્રા બોલેરો જીપ ગાડીઓ ખરીદવામાં આવશે.
સેન્ટ્રલ સ્ટોર શાખા દ્વારા સોલિડ વેસ્ટ વિભાગ માટે જરૂરી દુર્ગંધ નાશક લિક્વિડ વાર્ષિક ઇજારાથી ખરીદવા માટેની દરખાસ્ત કરાઈ છે, તો જમીન મિલકત શાખા અંતર્ગત જેતલપુર ખાતે ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ સંસ્થાનો જમીનનો ભાડાપટ્ટો રીન્યુ કરવા અંગે નિર્ણય લેવાશે.
અંતમાં, ટી.પી. એક્ટ હેઠળ પાલિકાને સંપાદિત થયેલા વિવિધ 7 ફાઇનલ પ્લોટોની મિનિમમ અપસેટ વેલ્યુ મંજૂર કરી જાહેર હરાજીથી મહત્તમ બોલી ધરાવનારને ફાળવણી કરવાની તેમજ તે પૈકી અકોટાના એક પ્લોટની જગ્યા પીએફ ઓફિસને સીધી ફાળવણી કરવા અંગેની તમામ આખરી સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે.
Reporter: admin







