News Portal...

Breaking News :

અસંખ્ય ફરિયાદોને પગલે પ્રદેશ સંગઠને,શહેર સંગઠનની પાંખો કાપી

2026-06-18 11:50:04
અસંખ્ય ફરિયાદોને પગલે પ્રદેશ સંગઠને,શહેર સંગઠનની પાંખો કાપી


વડોદરા કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ દાયકાથી સત્તાધારી પક્ષ ભાજપના હોદ્દેદારો અને સંગઠનના નેતાઓ વચ્ચે ચાલતા ટકાવારી, આંતરિક જૂથબંધી અને કમિશનખોરીના આટાપાટા પર આખરે મોટો હથોડો વાગ્યો છે. આગામી સ્થાયી સમિતિની બેઠક પહેલાં જ પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા એક અત્યંત કડક અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેરના વિકાસના કામોમાં અત્યાર સુધી પોતાની આંગળી ઊંચી રાખીને દરેક કામમાં પોતાની મલાઈ નક્કી કરતા સંગઠનના નેતાઓની પાંખો કાપી નાખવામાં આવી છે. પ્રદેશ સંગઠને સ્પષ્ટ અને કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે મહાનગરપાલિકાના વહીવટથી સંગઠને તદ્દન દૂર રહેવું પડશે અને હવેથી વિકાસના કોઈ પણ કામમાં સંગઠન પોતાનો ચંચૂપાત નહીં કરી શકે. આ નવા આદેશ સાથે જ વડોદરામાં છેલ્લા 30 વર્ષથી ચાલી આવતી ભ્રષ્ટાચાર અને પર્સન્ટેજ ગોઠવવાની સંકલન બેઠકોનો સત્તાવાર અંત આવી ગયો છે. વડોદરા પાલિકામાં શાસકો અને સંગઠન વચ્ચે ચાલતી આંતરિક ખેંચતાણ અને ટાંટિયાખેંચની ફરિયાદો પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે દિવસ પૂર્વે જ ગાંધીનગરમાં વડોદરાની આખી ટીમને ખાસ તેડું મોકલીને બોલાવવામાં આવી હતી, જ્યાં પ્રદેશના ઉચ્ચ નેતાઓએ વડોદરા ભાજપનાં પદાધિકારીઓ અને સંગઠનની ભારે ઝાટકણી કાઢી હતી. પ્રદેશનાં આકરા વલણ બાદ નક્કી કરાયું છે કે હવેથી સ્થાયી સમિતિ કે સામાન્ય સભા પૂર્વે ભાજપ કાર્યાલય ખાતે મળતી સંકલન બેઠક કાયમ માટે બંધ રહેશે. અગાઉ આ બેઠકોમાં સંગઠનનાં હોદ્દેદારો દ્વારા પાલિકાના પદાધિકારીઓ અને કાઉન્સિલરો પર પોતાના નિર્ણયો અને મળતિયા ઇજારદારોના કામો થોપવામાં આવતા હોવાની વ્યાપક ચર્ચાઓ ચાલતી હતી. હવેથી વિકાસના કામો પર આખરી નિર્ણય લેવાની તમામ સત્તા પાલિકાના 5 મુખ્ય પદાધિકારીઓ અને સ્થાયી સમિતિના 11 સભ્યોને જ સોંપવામાં આવી છે. આ 16 લોકો જ હવેથી સ્થાયી અને સામાન્ય સભાના એજન્ડા પર ચર્ચા કરીને વડોદરાનાં હિતમાં નિર્ણયો લેશે. અગાઉના બોર્ડમાં પોતાના અંગત વિસ્તારના કામો માટે જીદ કરવી, બીજાના કામોનો વિરોધ કરવો અને પર્સન્ટેજ સેટ ન થાય ત્યાં સુધી દરખાસ્તો મુલતવી રાખવાની ગંદી પ્રથા પડી ગઈ હતી, જેના કારણે જનતાનાં અનેક કામો અટવાયા હતા.

કરોડો રૂપિયાના લોકઉપયોગી પ્રોજેક્ટ્સ નેતાઓની જીદમાં હોમાયા.
વડોદરાની જનતા સારી રીતે જાણે છે કે સંકલન બેઠકોના નામે ભાજપ કાર્યાલય પર કેવા ખેલ થતા હતા. આ ટકાવારી અને જૂથવાદનાં કારણે શહેરના અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનો ભોગ લેવાયો છે. ઐતિહાસિક પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડીને ત્યાં હેરિટેજ સ્ક્વેર વિકસાવવાની ભવ્ય દરખાસ્ત સંગઠનના નેતાઓના અંગત હિતોના કારણે જ ખોરંભે પડી ગઈ હતી. તેવી જ રીતે, રોડ સ્વીપર મશીન ખરીદવા અંગેની દરખાસ્ત વખતે પહેલા સંકલનની બેઠકમાં મેડ ઇન ઇન્ડિયા સ્વદેશી મશીનો લેવાની રાષ્ટ્રવાદી વાતો કરીને કામ રોકી દેવાયું હતું, પરંતુ જેવું સંગઠન બદલાયું કે તરત જ સ્વદેશીનો કોન્સેપ્ટ હવામાં ઉડી ગયો અને વિદેશી સ્વીપર મશીન ખરીદવા માટે કમિશનની ગોઠવણ સાથે મંજૂરી આપી દેવાઈ હતી. આટલું જ નહીં, કમાટીબાગમાં પક્ષીઘરથી વાઘખાના તરફ જતો ઐતિહાસિક બ્રિજ જર્જરિત થતાં ત્યાં નવો આઇકોનિક બ્રિજ બનાવવાનું કામ સ્થાયી સમિતિમાં મુકાયું હતું, પરંતુ ભાજપ કાર્યાલયે મળેલી બેઠકમાં સંગઠનના માત્ર એક જ સભ્યના અહમ અને વિરોધને કારણે પ્રજાલક્ષી કામ અટકાવી દેવાયું હતું. તેવી જ રીતે અબાકસ સર્કલ પર બની રહેલા બ્રિજને ઊર્મિ બ્રિજ સાથે જોડીને ટ્રાફિકની મોટી સમસ્યા હલ કરવાની યોજના હતી, પરંતુ સાંસદ, ધારાસભ્યો અને ભાજપ કાર્યાલયના નેતાઓ વચ્ચે ઈગો-વોર અને મતભેદો સર્જાતાં આખરે ઊર્મિ બ્રિજ સાથે કનેક્ટિવિટી આપવાનું કામ જ પડતું મૂકવું પડ્યું હતું.

નેતાઓ પાછલા બારણેથી વહીવટ અને કમિશનખોરી ચાલુ રાખે તો નવાઈ નહીં
વડોદરા પાલિકામાં ભાજપનું બોર્ડ બેઠું ત્યારથી પક્ષના શહેર પ્રમુખની અધ્યક્ષતામાં કાર્યાલય ખાતે વિકાસના કામો નક્કી કરવાની પ્રથા શરૂ થઈ હતી. વર્ષ 1999–2000 દરમિયાન સંગઠનના નેતાઓ પાલિકામાં આવીને સીધો વહીવટ કરવા લાગ્યા હતા. પરંતુ હવે 30 વર્ષ બાદ આ પ્રણાલી ભૂતકાળ બની ગઈ છે. જોકે રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે સંગઠનના નેતાઓ ભલે સત્તાવાર બેઠકોથી દૂર રહેશે, પરંતુ પાછલા બારણેથી વહીવટ અને કમિશનખોરી ચાલુ રહે તો નવાઈ નહીં. હવે જોવાનું એ રહે છે કે ભાજપ હાઇકમાન્ડ અને રાજ્ય સરકારે જે 16 પદાધિકારીઓ પર વિશ્વાસ મૂક્યો છે, તેઓ જનતા સાથે ગદ્દારી કર્યા વિના માત્ર વડોદરાના વિકાસ માટે કામ કરશે કે પછી ભ્રષ્ટાચારના નવા રસ્તા શોધશે.

Reporter: admin

Related Post