વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનના ગોત્રી ગાર્ડન ખાતે સ્વર્ણિમ જયંતી ગ્રાન્ટ અંતર્ગત રૂ. ૨,૦૭,૫૬,૩૨૧ના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક પિરામિડ યોગ સેન્ટર તથા લાઇબ્રેરીનું લોકાર્પણ ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું.
શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય અને જ્ઞાનવર્ધનને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવેલા આ પ્રોજેક્ટ અંતર્ગત આશરે ૩,૯૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૯૦૦ ચોરસ મીટરનું યોગ સેન્ટર અને ૨૫૨ ચોરસ મીટરની લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા ગોત્રી ગાર્ડનના કુદરતી સૌંદર્ય વચ્ચે આર્કિટેક્ચર અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય ધરાવતું પિરામિડ આકારનું યોગ સેન્ટર છે. આ કેન્દ્રમાં એકસાથે ૫૦ વ્યક્તિઓ યોગ, પ્રાણાયામ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ કરી શકશે. દરેક ઋતુમાં યોગાભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ રહેશે.
સાથે જ ૨૫ બેઠક ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી પણ વિકસાવવામાં આવી છે, જેનો હેતુ નાગરિકોમાં વાંચન પ્રત્યે અભિરુચિ વધારવાનો છે.
આ સંકુલમાં સ્ટોર રૂમ, વાહન પાર્કિંગ, સીસીટીવી સુરક્ષા વ્યવસ્થા, મહિલાઓ અને પુરુષો માટે અલગ ટોયલેટ તથા દિવ્યાંગ નાગરિકો માટે વિશેષ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાર્ડનની સુંદરતા વધારવા માટે આકર્ષક સુશોભન તેમજ મુલાકાતીઓ માટે ગાર્ડન ગઝેબો પણ બનાવવામાં આવ્યો છે.
Reporter: admin







