News Portal...

Breaking News :

વડોદરામાં સ્કૂલ વાહનો સામે આરટીઓની તવાઈ: માત્ર 5 દિવસમાં 271 વાહનો દંડાયા, ₹19.51 લાખનો દંડ વસૂલાયો

2026-06-18 11:22:22
વડોદરામાં સ્કૂલ વાહનો સામે આરટીઓની તવાઈ: માત્ર 5 દિવસમાં 271 વાહનો દંડાયા, ₹19.51 લાખનો દંડ વસૂલાયો

વડોદરા: શહેરમાં સ્કૂલ વાહનોની સુરક્ષા અને નિયમોના પાલનને લઈને આરટીઓ વિભાગે કડક ઝુંબેશ હાથ ધરી છે. છેલ્લા માત્ર પાંચ દિવસ દરમિયાન આરટીઓ દ્વારા કરવામાં આવેલા વિશેષ ચેકિંગ દરમિયાન કુલ 271 સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ₹19.51 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.


આરટીઓની તપાસમાં મોટી સંખ્યામાં સ્કૂલ વાન, ઓટોરિક્ષા અને અન્ય વાહનો ટેક્સી પાસિંગ, માન્ય પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ તેમજ વીમા વિના વિદ્યાર્થીઓને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરતા 250થી વધુ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન કેટલાક સ્થળોએ ચોંકાવનારી સ્થિતિ પણ જોવા મળી હતી. આરટીઓની ટીમને જોઈ કેટલાક વાહનચાલકો વિદ્યાર્થીઓને રસ્તા પર જ ઉતારી વાહન મૂકીને ફરાર થઈ ગયા હતા. જેના કારણે બાળકો અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


આરટીઓ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્કૂલ વાહનોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નિયમોનું પાલન ન કરતા વાહનચાલકો સામે આગામી દિવસોમાં પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

વિભાગે વાલીઓને પણ અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને જે વાહનમાં સ્કૂલે મોકલે છે તેની સંપૂર્ણ ચકાસણી કરે. ખાસ કરીને વાહન પાસે માન્ય સ્કૂલ પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ, વીમા અને આરટીઓ દ્વારા મંજૂર તમામ જરૂરી દસ્તાવેજો છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે.

આરટીઓએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને નિયમભંગ કરનાર વાહનચાલકો સામે કડક પગલાં લેવામાં આવશે.

Reporter:

Related Post