News Portal...

Breaking News :

વડોદરામાં કરોડોના દારૂનો નાશ: કોયલી ખાતે જપ્ત કરાયેલા 4 કરોડથી વધુના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવાયું

2026-06-18 11:14:41
વડોદરામાં કરોડોના દારૂનો નાશ: કોયલી ખાતે જપ્ત કરાયેલા 4 કરોડથી વધુના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવાયું

વડોદરા: શહેરમાં પ્રોહિબિશન કાયદાના કડક અમલ અંતર્ગત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના કોયલી વિસ્તારમાં આજે વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા 4 કરોડ રૂપિયાથી વધુના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેને નષ્ટ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ડીસીપી ઝોન-1, ઝોન-2 અને ઝોન-3 હેઠળ આવતા કુલ 14 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના મુદ્દામાલનો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાશ કરવામાં આવ્યો હતો.

આ કામગીરી દરમિયાન ડીસીપી ઝોન-1 જગદીશ ચાવડાની હાજરીમાં ત્રણેય ઝોનના એસીપી, 14 પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને એસડીએમ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા દારૂની કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે. આ દારૂ વિવિધ દરોડા અને પ્રોહિબિશન કેસોમાં કબ્જે કરવામાં આવ્યો હતો.

વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી આ વર્ષ દરમિયાન શહેરમાં જપ્ત કરાયેલા દારૂના સૌથી મોટા નાશ પૈકીની એક માનવામાં આવી રહી છે. પોલીસનું માનવું છે કે આવા પગલાંથી દારૂની હેરાફેરી અને ગેરકાયદે વેપાર કરતા તત્વોમાં કડક સંદેશ જશે.


પ્રોહિબિશન કાયદાના અમલને વધુ મજબૂત બનાવવા માટે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી યથાવત્ રાખવામાં આવશે હોવાનું પોલીસ વિભાગે જણાવ્યું છે.

Reporter:

Related Post