News Portal...

Breaking News :

સફાઈ મશીનથી બુલડોઝર સુધી, કરોડોના ખર્ચને મંજૂરીની તૈયારી

2026-09-02 12:35:15
સફાઈ મશીનથી બુલડોઝર સુધી, કરોડોના ખર્ચને મંજૂરીની તૈયારી

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મહત્વપૂર્ણ બેઠક આગામી 3 સપ્ટેમ્બર, ગુરુવારે યોજાશે. આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસકામો, વાહનોની ખરીદી, મશીનરી, ડ્રેનેજ અને પાણી પુરવઠાના કામો સહિત કુલ 29 જેટલા મુદ્દાઓ નિર્ણય માટે રજૂ કરવામાં આવશે.

સ્થાયી સમિતિના એજન્ડામાં મિકેનિકલ વિભાગ દ્વારા વિવિધ મશીનરી અને વાહનો ખરીદવાના કરોડો રૂપિયાના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે. 8 નવા સક્શન મશીન ખરીદવા માટે રૂ. 2.86 કરોડના ખર્ચનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરની કામગીરી માટે 10 નવા ટ્રક વાહનો ખરીદવા માટે રૂ. 1.77 કરોડના ખર્ચનો પ્રસ્તાવ પણ એજન્ડામાં સામેલ છે.

શહેરના વિકાસકામો માટે બે ચેઇન ટાઇપ બુલડોઝર ખરીદવાનો પણ મોટો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. બે BEML BD65-1 ચેઇન ટાઇપ બુલડોઝર ખરીદવા માટે રૂ. 4.40 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે તેવી દરખાસ્ત છે. અંદાજિત કિંમત કરતાં 6.47 ટકા વધુ ભાવ હોવા છતાં આ ખરીદીના પ્રસ્તાવને મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાની કામગીરી માટે પોકલેઇન મશીનો ભાડે લેવા અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવશે. આ કામગીરી માટે વાર્ષિક રૂ. 1.35 કરોડની ખર્ચ મર્યાદામાં અલગ-અલગ એજન્સીઓ પાસેથી કામગીરી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો છે.

શહેરમાં પ્રાણીઓના રેસ્ક્યૂ માટે એનિમલ રેસ્ક્યૂ વાન તૈયાર કરાવી ખરીદવાનો પણ પ્રસ્તાવ છે. આ વાન માટે રૂ. 19.27 લાખના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે.

ઉત્તર અને દક્ષિણ ઝોનમાં નવી આંગણવાડીઓ બનાવવા માટે રૂ. 1.49 કરોડથી વધુની દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત છાણી ટીપી-13 વિસ્તારમાં નવા કોમ્યુનિટી હોલના નિર્માણ માટે રૂ. 8.37 કરોડથી વધુના ખર્ચના ભાવપત્રને મંજૂરી આપવા અંગે પણ નિર્ણય લેવામાં આવશે.

અટલાદરાથી પાદરા તરફ જતા મુખ્ય માર્ગ પર ટીપી-25 વિસ્તારમાં હયાત કલ્વર્ટને પહોળો કરવાની કામગીરી માટે રૂ. 1.12 કરોડથી વધુના ખર્ચનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ કામગીરી માટે અંદાજિત કિંમત કરતાં 21.50 ટકા વધુ ભાવનો પ્રસ્તાવ હોવાને કારણે આ મુદ્દો પણ નોંધપાત્ર બન્યો છે.

ઐતિહાસિક માંડવી ગેટના જર્જરિત કોલમના સ્ટ્રક્ચરલ ડેમેજનું સમારકામ કરવા માટે રૂ. 11.30 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની હકીકત પણ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ભારતની જનગણના-2027ની કામગીરી માટે ટેક્નિકલ આસિસ્ટન્ટ અને MTSની નિમણૂક અંગે પણ મહત્વનો નિર્ણય લેવાશે. હાલ આધારકાર્ડની કામગીરી કરતી એજન્સીને 16 મહિનાના સમયગાળા માટે સીધી નિમણૂક આપવાના પ્રસ્તાવને મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો છે.

પાલિકાની સામાન્ય ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા વોર્ડ ઓફિસર અને ઉચ્ચ કેડરના અધિકારીઓને પ્રોત્સાહનરૂપે વધારાનો એક મહિનાનો પગાર આપવાની દરખાસ્ત પણ એજન્ડામાં સામેલ છે. જરૂરિયાત મુજબ ચૂંટણીનો અનુભવ ધરાવતા નિષ્ણાતોને માનદ વેતન આપવા માટે કમિશનરને કાયમી સત્તા આપવાના મુદ્દે પણ નિર્ણય લેવામાં આવશે.

શહેરના વિવિધ વિસ્તારોમાં લીકેજ થયેલી ડ્રેનેજ પ્રેશર લાઇનના રિપેરિંગ માટે રૂ. 7.56 લાખ ઉપરાંત GSTના ખર્ચની હકીકત રજૂ કરવામાં આવશે. સુભાનપુરા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાં થયેલા નુકસાનની મરામત માટે રૂ. 7.33 લાખ ઉપરાંત GST અને ગેંડા સર્કલ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની મરામત માટે રૂ. 2.34 લાખ ઉપરાંત GSTના ખર્ચને પણ એજન્ડામાં સામેલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગાજરાવાડી વિસ્તારમાં તૂટી ગયેલા ગેટ વાલ્વના રિપેરિંગ માટે રૂ. 4.03 લાખ ઉપરાંત GSTના ખર્ચની હકીકત પણ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થશે.
પાલિકાની સ્થાયી સમિતિની આ બેઠકમાં કરોડો રૂપિયાના વાહનો, મશીનરી અને વિકાસકામોના પ્રસ્તાવો મંજૂરી માટે આવી રહ્યા છે. અંદાજિત કિંમત કરતાં વધુ ભાવ ધરાવતા કેટલાક કામો પણ એજન્ડામાં હોવાથી હવે સ્થાયી સમિતિ આ દરખાસ્તોને મંજૂરી આપે છે કે તેમાં કોઈ ફેરફાર કરે છે, તેના પર નજર રહેશે.

Reporter: admin

Related Post