વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સાંસદ ડો.હેમાંગ જોશીની અધ્યક્ષતામાં જિલ્લાની તમામ કચેરીઓનાં વડાઓ સાથે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક યોજાઇ હતી.
દિશાની બેઠકમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના (મનરેગા યોજના), રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, સાંસદ આદર્શ ગામ, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, શૈક્ષણિક યોજનાઓ, પશુપાલન, પુરક પોષણ, કિશોરી શક્તિ યોજના, પોષણ અભિયાન તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, મધ્યાહન ભોજન યોજના, આંગણવાડીઓ, માતૃ વંદના યોજના, આરોગ્ય ક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,પાણી પુરવઠા, જિલ્લા ઉદ્યોગ, એમ.જી.વી.સી.એલ દ્વારા ચાલતી વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ વગેરે યોજનાઓમાં પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તથા બેઠકમાં લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી તેમજ પડતર પ્રશ્નોનું ફોલો-અપ લેવા પણ સુચન કર્યુ હતુ.

દિશા સમિતિના અધ્યક્ષશ્રી હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના નાગરિકો સુધી અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવું તમામ વિભાગોની જવાબદારી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત-૨૦૪૭'ના સંકલ્પને સાકાર કરવા માટે દરેક વિભાગે સંકલિત પ્રયાસો કરવા જરૂરી છે. તેમણે અધિકારીઓને યોજનાઓના લાભાર્થીઓની સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવા તેમજ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ નાગરિકોને યોજનાઓ વિશે માહિતગાર કરવા અનુરોધ કર્યો હતો.

બેઠક દરમિયાન વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓએ પોતાના વિભાગની કામગીરી, પ્રગતિ, બાકી રહેલા કામો અને તેના કારણોની માહિતી રજૂ કરી હતી. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા તેમજ વિકાસકાર્યોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા અંગે સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જયોત્સનાબેન રબારી, ઉપ પ્રમુખશ્રી કમલેશભાઇ પટેલ, ધારાસભ્ય સર્વેશ્રીઓ શ્રી શૈલેષભાઇ મહેતા, શ્રી અક્ષયભાઇ પટેલ, શ્રી સતીષભાઇ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાટીલ આનંદ અશોક, ડીઆરડીએના નિયામકશ્રી હિમાંશુ પરીખ, જિલ્લા પંચાયતની સમિતિઓના અધ્યક્ષશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ અને જિલ્લા કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin







