ભારતે મહિલા એશિયા કપ 2026ની ગ્રુપ મેચમાં હોંગકોંગ, ચીનને 137 રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી છે. આ જીત સાથે ભારતીય મહિલા ટીમે ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ગ્રુપ-એમાં ભારત સતત બે જીત સાથે ટોચના સ્થાને છે. ભારતની આગામી મેચ 5 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાશે.
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 5 વિકેટે 193 રન બનાવ્યા હતા. ટીમની જીતની સૌથી મોટી હિરોઈન સ્મૃતિ મંધાના રહી હતી, જેણે શાનદાર સદી ફટકારી હતી. મંધાનાએ 64 બોલમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 124 રનની ઇનિંગ રમી હતી. આ તેમની ટી20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની બીજી સદી છે.
મંધાનાએ શેફાલી વર્મા સાથે પ્રથમ વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ અન્ય બેટર્સ સાથે મહત્વપૂર્ણ ભાગીદારીઓ કરીને ભારતને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હોંગકોંગની ટીમ 16.2 ઓવરમાં માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી, જ્યારે નંદિની શર્મા, શ્રી ચરણી અને પ્રેમા રાવતે 2-2 વિકેટ ઝડપી હતી.
Reporter: admin







