News Portal...

Breaking News :

પાલિકાની ખરીદી-કોન્ટ્રાક્ટમાં તબલાતોડ ભાવ- આડેધડ મંજૂરી...

2026-09-04 11:06:47
પાલિકાની ખરીદી-કોન્ટ્રાક્ટમાં તબલાતોડ ભાવ- આડેધડ મંજૂરી...

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મહત્વપૂર્ણ બેઠકમાં શહેરના વિકાસકામો, વાહનો, મશીનરી, ડ્રેનેજ, પાણી પુરવઠા અને અન્ય વિવિધ કામગીરીને લગતી કુલ 30 જેટલી કરોડોની દરખાસ્તોને મંજૂરી મળી છે. સફાઈ માટેનાં મશીનોથી લઈને કરોડોના બુલડોઝર, નવા ટ્રક, પોકલેઇન, આંગણવાડી, કોમ્યુનિટી હોલ અને માર્ગ-કલ્વર્ટ સુધીના ખર્ચના પ્રસ્તાવો સામે આવ્યા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે કેટલાક કામોમાં અંદાજિત કિંમત કરતાં ઘણાં ઊંચા ભાવ હોવા છતાં પણ દરખાસ્તોને મંજૂરી મળી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે કરોડોના ખર્ચને મંજૂરી આપતા પહેલાં ભાવવધારા પાછળનું કારણ અને બજારભાવની તુલના કેટલી ગંભીરતાથી ચકાસવામાં આવી?

મિકેનિકલ વિભાગ દ્વારા શહેરની સફાઈ અને ડ્રેનેજ કામગીરી માટે 8 નવા સક્શન મશીન ખરીદવાની રૂ. 2.86 કરોડની દરખાસ્તને મંજૂરી મળી છે. શહેરમાં ગટર અને ડ્રેનેજની સમસ્યાઓ વચ્ચે આ મશીનોની જરૂરિયાતનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ કરોડો રૂપિયાનું મશીનરી ખરીદાયા બાદ તેની કામગીરી કેટલી અસરકારક રહે છે અને શહેરના લોકોને ખરેખર રાહત મળે છે કે નહીં, તેના પર પણ હવે નજર રાખવી જરૂરી છે. માત્ર ખરીદીના ઠરાવો પસાર કરીને કામગીરી પૂર્ણ થઈ જતી નથી.

મહાનગરપાલિકાની વિવિધ કામગીરી માટે 10 નવા ટ્રક ખરીદવા રૂ. 1.77 કરોડના ખર્ચની દરખાસ્તને પણ મંજૂરી મળી છે. શહેરની સફાઈ, પરિવહન અને અન્ય મ્યુનિસિપલ કામગીરીમાં આ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ નવા વાહનો ખરીદવા પાછળ પાલિકા પાસે પહેલેથી રહેલા વાહનોની સ્થિતિ શું છે, કેટલાં વાહનો ઉપયોગમાં છે અને કેટલાં બિનઉપયોગી પડ્યાં છે, તેની પારદર્શક માહિતી જાહેર થવી જોઈએ.

બે BEML BD65-1 ચેઇન ટાઇપ બુલડોઝર ખરીદવા રૂ. 4.40 કરોડથી વધુના ખર્ચની દરખાસ્તને મંજૂરી મળી છે. અહીં સૌથી મોટો મુદ્દો એ છે કે અંદાજિત કિંમત કરતાં 6.47 ટકા વધુ ભાવ હોવા છતાં આ ખરીદીને મંજૂરી મળી છે. જનતાના પૈસામાં વધારાનો ખર્ચ શા માટે સ્વીકારવામાં આવ્યો? ઓછા ભાવમાં ગુણવત્તાયુક્ત વિકલ્પ ઉપલબ્ધ ન હતો કે પછી ટેન્ડર પ્રક્રિયામાં કોઈ મજબૂરી હતી? આવા સવાલોના સ્પષ્ટ જવાબ મળવા જરૂરી છે.

મહાનગરપાલિકાની કામગીરી માટે અલગ-અલગ એજન્સીઓ પાસેથી પોકલેઇન મશીનો ભાડે લેવા વાર્ષિક રૂ. 1.35 કરોડની ખર્ચ મર્યાદાની દરખાસ્તને મંજૂરી મળી છે. પાલિકા પાસે પોતાના મશીનો હોવા છતાં ભાડે મશીનરી લેવાની જરૂરિયાત કેટલી છે, તે પણ તપાસનો વિષય છે. કરોડોના ખર્ચ બાદ મશીનોનો ઉપયોગ કેટલા કલાક થાય છે અને તેના બદલામાં પાલિકાને કેટલો લાભ મળે છે, તેનો હિસાબ જાહેર થવો જોઈએ.

શહેરમાં પ્રાણીઓનાં રેસ્ક્યૂ માટે નવી એનિમલ રેસ્ક્યૂ વાન તૈયાર કરાવી ખરીદવાની રૂ. 19.27 લાખની દરખાસ્તને મંજૂરી મળી છે. રસ્તાઓ પર ઇજાગ્રસ્ત અને બીમાર પ્રાણીઓની સારવાર તથા બચાવ માટે આ વાન ઉપયોગી બની શકે છે. પરંતુ વાહન ખરીદ્યા બાદ તેમાં સ્ટાફ, સારવારની સુવિધા અને 24 કલાકની કામગીરી ઉપલબ્ધ રહેશે કે નહીં, તે પણ મહત્વનો પ્રશ્ન છે.
ઉત્તર અને દક્ષિણ ઝોનમાં નવી આંગણવાડીઓ બનાવવા રૂ. 1.49 કરોડથી વધુની દરખાસ્તને મંજૂરી મળી છે. જ્યારે છાણી ટીપી-13 વિસ્તારમાં નવા કોમ્યુનિટી હોલનાં નિર્માણ માટે રૂ. 8.37 કરોડથી વધુના ખર્ચને મંજૂરી મળી છે. વિકાસકામો માટે ખર્ચ જરૂરી છે, પરંતુ કામોની ગુણવત્તા, સમયમર્યાદા અને પૂર્ણ થયા બાદ તેનો જનતાને મળતો લાભ ચકાસવો પણ એટલો જ જરૂરી છે. કરોડો મંજૂર થયા બાદ કામ અધૂરાં કે ગુણવત્તાવિહોણાં ન રહે તે માટે કડક મોનિટરિંગ જરૂરી છે.

અટલાદરાથી પાદરા તરફ જતા મુખ્ય માર્ગ પર ટીપી-25 વિસ્તારમાં હયાત કલ્વર્ટને પહોળો કરવાની રૂ. 1.12 કરોડથી વધુની દરખાસ્તને મંજૂરી મળી છે. પરંતુ આ કામ માટે અંદાજિત કિંમત કરતાં 21.50 ટકા વધુ ભાવનો પ્રસ્તાવ નોંધપાત્ર રહ્યો છે. 6 કે 7 ટકા નહીં, પરંતુ 21.50 ટકા વધુ ભાવ હોવા છતાં મંજૂરી મળી તે સૌથી મોટો સવાલ છે. જનતાના ટેક્સના પૈસા ખર્ચાય ત્યારે વધારાના ભાવને મંજૂરી આપવાનું કારણ જાહેર કરવું પાલિકાની ફરજ બને છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં લીકેજ અને નુકસાનગ્રસ્ત ડ્રેનેજ લાઇનના રિપેરિંગ માટે સુભાનપુરા, ગેંડા સર્કલ અને અન્ય વિસ્તારોની અલગ-અલગ દરખાસ્તોને મંજૂરી મળી છે. ગાજરાવાડીમાં તૂટી ગયેલા ગેટ વાલ્વના રિપેરિંગ માટે રૂ. 4.03 લાખ ઉપરાંત GSTના ખર્ચને પણ મંજૂરી મળી છે.

બીજી તરફ જનગણના-2027 માટે ટેક્નિકલ આસિસ્ટન્ટ અને MTSની નિમણૂક, હાલ આધારકાર્ડ કામગીરી કરતી એજન્સીને 16 મહિના માટે સીધી નિમણૂક તથા ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓને વધારાનો એક મહિનાનો પગાર આપવાની દરખાસ્તોને પણ મંજૂરી મળી છે.

સ્થાયી સમિતિમાં 30 જેટલી દરખાસ્તોને મંજૂરી મળ્યા બાદ હવે અસલી પરીક્ષા શરૂ થાય છે. કરોડોના બુલડોઝર, મશીનરી અને વાહનો ખરીદાયા બાદ તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થશે? 21.50 ટકા સુધી ઊંચા ભાવવાળા કામોમાં વધારાના ખર્ચનો બોજ આખરે જનતાના પૈસામાંથી જ જશે. મંજૂરી આપવી સરળ છે, પરંતુ દરેક રૂપિયા સામે જવાબદારી નક્કી કરવી વધુ જરૂરી છે. વડોદરાના નાગરિકોના પૈસે થનારા આ કરોડોના ખર્ચમાં પારદર્શિતા રહેશે કે પછી મંજૂરીની ફાઇલ બંધ થતાં જ જવાબદારી પણ બંધ થઈ જશે? હવે જનતાની નજર પાલિકાનાં દરેક મંજૂર થયેલા કામ પર રહેશે.

Reporter: admin

Related Post