વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસના અવસરે નવી દિલ્હીમાં આવેલી શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC)ના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન સાંજે 7 વાગ્યે ઉપસ્થિત લોકોને સંબોધન કરશે.
દિલ્હી યુનિવર્સિટી સંલગ્ન શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ દેશની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંની એક છે. વાણિજ્ય, અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટ ક્ષેત્રે તેની આગવી ઓળખ છે. કોલેજની સ્થાપના વર્ષ 1926માં જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક સર શ્રી રામ દ્વારા કરવામાં આવી હતી.
લગભગ 100 વર્ષની સફરમાં SRCCએ વિદ્વાનો, પ્રોફેશનલ્સ, વહીવટદારો, ઉદ્યોગસાહસિકો, નીતિ-નિર્માતાઓ અને રાષ્ટ્રનિર્માતાઓની અનેક પેઢીઓ તૈયાર કરી છે. શૈક્ષણિક શ્રેષ્ઠતાને કારણે કોલેજ દેશ-વિદેશના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આકર્ષે છે.
SRCCમાં સ્નાતક અને અનુસ્નાતક સ્તરે વાણિજ્ય અને અર્થશાસ્ત્રના વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. તેમાં બી.કોમ (ઓનર્સ), બી.એ. (ઓનર્સ) અર્થશાસ્ત્ર, એમ.કોમ અને એમ.એ. (અર્થશાસ્ત્ર) મુખ્ય છે.
કોલેજને નેશનલ ફાઉન્ડેશન ફોર કોર્પોરેટ ગવર્નન્સ તરફથી નેશનલ કોર્પોરેટ ગવર્નન્સ સેન્ટરનો દરજ્જો પણ મળ્યો છે. SRCCના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક પ્રદર્શન અને કેમ્પસ પ્લેસમેન્ટ રેકોર્ડ પણ મજબૂત રહ્યો છે. શતાબ્દી સમારોહ સંસ્થાની વિરાસત અને શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણીનો મહત્વપૂર્ણ અવસર બનશે.
Reporter: admin







