News Portal...

Breaking News :

રાષ્ટ્રપતિ મુર્મુ આજે 48 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે

2026-09-05 09:55:06
રાષ્ટ્રપતિ મુર્મુ આજે 48 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે

શિક્ષક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે શનિવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે દેશભરના 48 શાળાના શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2026થી સન્માનિત કરશે. સમારોહ દરમિયાન પુરસ્કાર વિજેતા શિક્ષકોના ઉત્કૃષ્ટ કાર્ય, સિદ્ધિઓ અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન પર આધારિત ડોક્યુમેન્ટરી પણ દર્શાવવામાં આવશે.

શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષે શિક્ષક દિવસ નિમિત્તે દેશના શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર આપવામાં આવે છે. આ વર્ષે શિક્ષકોની પસંદગી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ત્રણ તબક્કાની પારદર્શક પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે.

પુરસ્કાર માટે પસંદ કરાયેલા 48 શિક્ષકોમાં 26 પુરુષ અને 22 મહિલાઓનો સમાવેશ થાય છે. તેમની પસંદગી 27 રાજ્યો, સાત કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારની છ સંસ્થાઓમાંથી કરવામાં આવી છે.

આ પુરસ્કારનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા શિક્ષકોનું સન્માન કરવો અને નવીનતા, સમર્પણ તથા શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે.

દરમિયાન, હિમાચલ પ્રદેશમાં 26 શિક્ષકોને રાજ્ય શિક્ષક પુરસ્કાર આપવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં પણ શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનારા 81 શિક્ષકોને રાજ્ય શિક્ષક પુરસ્કાર અને મુખ્યમંત્રી શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

Reporter: admin

Related Post