News Portal...

Breaking News :

યુસુફ પઠાણના ગેરકાયદેસર દબાણને દૂર કરી જમીનનો કબજો લેવા માટે ઉપરથી કોના આદેશની રાહ જોવાઈ રહી છે?

2026-09-04 11:02:26
યુસુફ પઠાણના ગેરકાયદેસર દબાણને દૂર કરી જમીનનો કબજો લેવા માટે ઉપરથી કોના આદેશની રાહ જોવાઈ રહી છે?

વડોદરાનાં તાંદલજા ટીપી સ્કીમ નંબર-22ના પ્લોટ નંબર-90ને લઈને સાંસદ યુસુફ પઠાણ સામે ચાલી રહેલા વિવાદમાં ગુજરાત હાઈકોર્ટનો 31 ઓગસ્ટ, 2026નો ઓર્ડર જાહેર થઈ ગયો છે, છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સુરેશ તુવર દ્વારા “અમને હજી ઓર્ડર મળ્યો નથી” એવો જવાબ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આજના ડિજિટલ યુગમાં ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર ઓનલાઈન અપલોડ થયેલ હોવા છતાં મહાનગરપાલિકા જેવા મોટા તંત્રને ઓર્ડરની જાણકારી મેળવવામાં આટલો વિલંબ કેમ? ખાસ કરીને જ્યારે કોર્પોરેશન પાસે પોતાના લીગલ એડવાઈઝર હોય અને અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટમાં કેસ લડતા પેનલ એડવોકેટ પણ ઉપલબ્ધ હોય ત્યારે “ઓર્ડર મળ્યો નથી”ના જવાબથી અનેક સવાલો ઊભા થાય છે.

આજનાં સમયમાં હાઈકોર્ટનાં ઓર્ડર ડિજિટલ માધ્યમથી જોઈ શકાય છે. ઉપરાંત, કોર્ટમાં કેસ લડતા વકીલ પાસેથી ઓર્ડરની નકલ અને જરૂર પડે તો સર્ટિફાઇડ નકલ મેળવવાની પણ વ્યવસ્થા છે. ત્યારે જાહેર મિલકત અને મહાનગરપાલિકાના હિત સાથે જોડાયેલા મહત્વના કેસમાં કોર્પોરેશનનાં અધિકારીઓ ઓર્ડર મેળવવા માટે રાહ શા માટે જોઈ રહ્યા છે? સામેવાળાને વધારે લાભ આપવા?

ગુજરાત હાઈકોર્ટનાં ઓર્ડરમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે અરજદાર તરફથી અપીલ પરત ખેંચવાની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને આધારે મુખ્ય અપીલ તેમજ વિલંબ માફીની અરજી પરત ખેંચાયેલી તરીકે ફગાવી દેવામાં આવી હતી.

મુખ્ય અપીલ પરત ખેંચાઈ ગયા બાદ તેની સાથે જોડાયેલી સ્ટે અરજી અને વધારાના પુરાવા માટેની અરજીનો પણ કાયદાકીય આધાર રહેતો નથી. ગુજરાત હાઈકોર્ટે પોતાનાં ઓર્ડરમાં સ્પષ્ટ કર્યું છે કે મુખ્ય અપીલ જ ફગાવી દેવામાં આવી હોવાથી સ્ટે અરજી અને વધારાના પુરાવાની અરજી ટકી શકતી નથી અને બંનેનો નિકાલ કરવામાં આવ્યો છે.

ત્યારે હવે પ્રશ્ન એ છે કે કોર્પોરેશન આ કોર્ટ ઓર્ડરની કાયદાકીય સ્થિતિ અંગે ક્યારે સ્પષ્ટતા કરશે? “ઓર્ડર મળ્યો નથી” કહીને જવાબદારી ટાળી શકાય કે પછી લીગલ વિભાગે તાત્કાલિક ઓર્ડર મેળવીને કમિશનરને સંપૂર્ણ સ્થિતિથી વાકેફ કરવા જોઈએ?

આ કોર્ટ કેસની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોય તો પણ સાંસદ યુસુફ પઠાણના તાંદલજા ટીપી સ્કીમ નંબર-22ના પ્લોટ નંબર-90ને લઈને ઊભા થયેલા મૂળ પ્રશ્નો હજુ યથાવત છે.  કોર્પોરેશનની માલિકીનો આશરે 978 ચોરસ મીટરનો પ્લોટ વર્ષ 2012થી દબાણ હેઠળ છે.

 વર્ષ 2012થી અત્યાર સુધી કોર્પોરેશનની જમીનની સુરક્ષા માટે જવાબદાર અધિકારીઓએ શું કાર્યવાહી કરી? કેટલા સર્વે થયા? કેટલી નોટિસો અપાઈ? દબાણ દૂર કરવા માટે કેટલી વખત કાર્યવાહી હાથ ધરાઈ? અને જો કોઈ કાર્યવાહી થઈ ન હોય તો તેની જવાબદારી કોની?
કોર્ટ કેસનો અંત એટલે જાહેર મિલકતને લઈને ઊભા થયેલા પ્રશ્નોનો અંત નથી. હવે કોર્પોરેશન પાસે પ્લોટની માલિકી, હાલની સ્થિતિ અને છેલ્લા 14 વર્ષમાં થયેલી કાર્યવાહીની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની જવાબદારી ઊભી થાય છે.

કોર્પોરેશન સ્પષ્ટતા કેમ કરતું નથી?

ગુજરાત હાઈકોર્ટના 31 ઓગસ્ટના ઓર્ડર મુજબ મુખ્ય અપીલ પરત ખેંચવામાં આવી હતી. મુખ્ય અપીલ પરત ખેંચાતા તેની સાથે જોડાયેલી વિલંબ માફીની અરજી પણ ફગાવી દેવામાં આવી હતી, જ્યારે સ્ટે અરજી અને વધારાના પુરાવા રજૂ કરવાની અરજીનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.

હવે સવાલ એ છે કે હાઈકોર્ટનો ઓર્ડર સ્પષ્ટ હોવા છતાં વડોદરા પાલિકાનું કાનૂની તંત્ર આ મામલે તાત્કાલિક સ્પષ્ટતા કેમ કરતું નથી?

સાંસદ યુસુફ પઠાણની વિલંબ માફીની અરજી હાઈકોર્ટે ફગાવી

વડોદરાના તાંદલજા વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-22ના પ્લોટ નંબર-90ને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા મામલામાં નવો વળાંક આવ્યો છે. સાંસદ યુસુફ મહેમુદખાન પઠાણ દ્વારા દાખલ કરવામાં આવેલી લેટર્સ પેટન્ટ અપીલ(LPA) પરત ખેંચવામાં આવતા ગુજરાત હાઈકોર્ટે અપીલ અને વિલંબ માફીની અરજીને પરત ખેંચાયેલી તરીકે ફગાવી દીધી છે. મુખ્ય અપીલ પરત ખેંચાતા તેની સાથે જોડાયેલી સ્ટે અરજી અને વધારાના પુરાવા રજૂ કરવાની અરજીનો પણ નિકાલ કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટનો આદેશ 31 ઓગસ્ટ, 2026ના રોજ પસાર થયો હતો. પરંતુ કોર્ટમાં અપીલનો નિકાલ થઈ ગયો હોવા છતાં તાંદલજાનાં આશરે 978 ચોરસ મીટરના કોર્પોરેશનની માલિકીનાં પ્લોટને લઈને વર્ષ 2012થી દબાણ હોવાના આક્ષેપોનો પ્રશ્ન હજુ યથાવત છે.

હવે વડોદરા મહાનગરપાલિકા પ્લોટની વાસ્તવિક સ્થિતિ જાહેર કરશે કે ફરી ફાઇલો અને કાયદાકીય પ્રક્રિયાના નામે જવાબદારી ટાળશે, તે જોવાનું રહેશે. હવે આ અગાઉનાં હાઇકોર્ટનાં આખરી હુકમનું અમલીકરણ અનિવાર્ય બની જાય છે.પાલિકાએ તાત્કાલિક અસરથી જમીનનો કબજો લેવાનો થાય તથા હયાત બાંધકામને તોડવાનું પણ થાય.

Reporter: admin

Related Post