News Portal...

Breaking News :

કેન્યાના રાષ્ટ્રપતિનો ટાટા કેમિકલ્સ પર મોટો નિર્ણય, કારોબાર સમેટવાનો આદેશ

2026-09-04 11:20:50
કેન્યાના રાષ્ટ્રપતિનો ટાટા કેમિકલ્સ પર મોટો નિર્ણય, કારોબાર સમેટવાનો આદેશ

નૈરોબી: કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ ભારતીય કંપની ટાટા કેમિકલ્સને દેશમાં પોતાનો કારોબાર સમેટવાનો આદેશ આપ્યો છે. રૂટોએ આરોપ લગાવ્યો કે કંપનીની લાંબા સમયથી હાજરી હોવા છતાં કેન્યાને તેનો પૂરતો લાભ મળ્યો નથી. તેમણે કહ્યું કે ટાટા કેમિકલ્સ પાસે લાંબા ગાળાનો કરાર હોવા છતાં કાજિયાડો વિસ્તારમાં કોઈ મોટો કારખાનો કે ઔદ્યોગિક પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો નથી.

એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ રૂટોએ જણાવ્યું કે તેમની સરકાર ટાટા કેમિકલ્સના કારોબારના સ્થાને બે નવી કંપનીઓ લાવવાની યોજના બનાવી રહી છે. જેમાંથી એક કંપની કાજિયાડોમાં મોટો ગ્લાસ પ્લાન્ટ સ્થાપશે, જ્યારે બીજી કંપની કેમિકલનું ઉત્પાદન કરશે.

રૂટોએ ટાટા કેમિકલ્સની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું, “શું આપણે બીજાઓ માટે ગુલામ છીએ?” તેમણે કહ્યું કે દેશના કુદરતી સંસાધનો અને ઔદ્યોગિક ક્ષમતાનો લાભ સ્થાનિક લોકો અને અર્થતંત્રને મળવો જોઈએ.

રાષ્ટ્રપતિના નિવેદન અંગે ટાટા કેમિકલ્સ તરફથી હાલ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

આ પહેલા જુલાઈના અંતમાં ટાટાએ જણાવ્યું હતું કે કેન્યા સરકારે તેની એકમ ટાટા કેમિકલ લિમિટેડને મેગાડી સોડા ફેક્ટરીમાં કારોબાર અને સોડા ઍશની નિકાસ સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો.

Reporter: admin

Related Post