દેશના નાના અને મર્યાદિત હવાઈ કનેક્ટિવિટી ધરાવતા શહેરોને જોડવા માટે પ્રાદેશિક એરલાઇન Fly91એ મોટું પગલું ભર્યું છે. કંપનીએ 40 નવા ATR 72-600 ટર્બોપ્રોપ વિમાનોની ખરીદી માટેનો કન્ફર્મ ઓર્ડર આપ્યો છે. ઉડ્ડયન ક્ષેત્રના જાણકારોના મતે, આ શ્રેણીમાં તાજેતરના સમયમાં આ સૌથી મોટા ઓર્ડરોમાંનો એક માનવામાં આવે છે.
લિસ્ટ પ્રાઇસના આધારે આ સોદાની કુલ કિંમત અંદાજે 8,300 કરોડ રૂપિયાથી વધુ છે. જોકે, મોટી સંખ્યામાં વિમાનોના ઓર્ડર પર એરલાઇન્સને ઉત્પાદક કંપનીઓ તરફથી ભારે ડિસ્કાઉન્ટ મળવાની શક્યતા રહે છે. તેથી વાસ્તવિક સોદાની કિંમત આ રકમ કરતાં ઓછી હોઈ શકે છે.
વિસ્તરણ માટે 250 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી
Fly91 પોતાના વિસ્તરણને ગતિ આપવા માટે વર્તમાન અને નવા રોકાણકારો પાસેથી આશરે 250 કરોડ રૂપિયા એકત્ર કરવાની પ્રક્રિયામાં છે. કંપની નવા વિમાનો દ્વારા પ્રાદેશિક હવાઈ નેટવર્કને વધુ મજબૂત બનાવવાની તૈયારી કરી રહી છે.
એરલાઇનનો કાફલો બમણાથી વધુ થશે
નવા વિમાનોની ડિલિવરી બાદ Fly91નો કાફલો હાલની સંખ્યાની સરખામણીએ બમણાથી વધુ થઈ જશે. હાલમાં એરલાઇન સરકારની ઉડાન યોજના હેઠળ સિંધુદુર્ગ, જલગાંવ સહિતના ટિયર-2 અને ટિયર-3 શહેરો વચ્ચે હવાઈ સેવાઓ ચલાવી રહી છે. નવા વિમાનો દેશના દૂરના વિસ્તારોને વધુ સારી હવાઈ કનેક્ટિવિટી આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
Reporter: admin







