News Portal...

Breaking News :

બાબુઓનો વટ પડે એટલે,મોબાઈલના યુગમાં, 45 વોકીટોકી પાછળ લાખોનો ખર્ચ

2026-09-02 12:30:06
બાબુઓનો વટ પડે એટલે,મોબાઈલના યુગમાં, 45 વોકીટોકી પાછળ લાખોનો ખર્ચ

વડોદરા મહાનગરપાલિકામાં જનતાના પૈસાનો ઉપયોગ ખરેખર જરૂરિયાત માટે થાય છે કે પછી વરસાદ આવે ત્યારે અધિકારીઓનાં હાથમાં સાધનો દેખાય એટલા માટે ખરીદી અને ભાડાની દરખાસ્તો કરવામાં આવે છે? આ સવાલ હવે ફરી એકવાર ઊભો થયો છે. શહેરમાં વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે અધિકારીઓ અને કર્મચારીઓને વોકીટોકી આપવાના નામે લાખો રૂપિયાના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે.

અંદાજિત રૂ. 4.77 લાખના ખર્ચે 45 કે તેથી વધુ વોકીટોકી છ મહિના માટે ભાડે લેવાની વાત કરવામાં આવી છે. પરંતુ સવાલ સીધો છે કે આજનાં મોબાઈલ અને ઇન્ટરનેટનાં યુગમાં સામાન્ય અધિકારીઓ અને કર્મચારીઓ માટે આટલી મોટી વોકીટોકીની વ્યવસ્થા ખરેખર કેટલી જરૂરી છે?

આજે દરેક અધિકારી પાસે મોબાઈલ છે.અધિકારીઓનું વોટ્સએપ ગ્રુપ છે, વીડિયો કોલ છે, લોકેશન શેરિંગ છે અને એકસાથે સેંકડો લોકોને મેસેજ પહોંચાડવાની સુવિધા છે. ત્યારે સામાન્ય વહીવટી કામગીરી માટે અધિકારીઓને હાથમાં મોટી વોકીટોકી લઈને ફરવાની જરૂરિયાત કેટલી વાજબી છે, તેનો જવાબ તંત્રએ આપવો જોઈએ.

લોકોમાં એવો પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે વોકીટોકી ખરેખર રાહત કામગીરી માટે છે કે પછી વરસાદ દરમિયાન અધિકારીઓની આસપાસ એક અલગ જ કમાન્ડો લુક ઊભો કરવા માટે?

આ પહેલીવાર નથી જ્યારે વરસાદી સિઝનના નામે ખરીદી અને તૈયારીઓ પર પ્રશ્નો ઊભા થયા હોય. અગાઉ શહેરમાં બચાવ કામગીરી માટે મોટી સંખ્યામાં તરવૈયાઓની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ વરસાદી સ્થિતિ દરમિયાન આ વ્યવસ્થા કેટલી અસરકારક સાબિત થઈ તે અંગે સવાલો ઊભા થયા. તરાપા સહિતનાં સાધનોની ખરીદી પણ કરવામાં આવી હતી, પરંતુ મેદાનમાં તેનો કેટલો અને ક્યાં ઉપયોગ થયો તેનો હિસાબ પણ જનતાને મળવો જોઈએ.

સવાલ એ છે કે દર વર્ષે નવી ખરીદી, નવી વ્યવસ્થા અને નવા ખર્ચા થાય, પરંતુ જવાબદારી અને પરિણામનું શું?

જો કોઈ સાધન ખરીદવામાં આવે કે ભાડે લેવામાં આવે તો તેનો ઉપયોગ કેટલા દિવસ થયો? કેટલી વખત તેનો ઉપયોગ થયો? કયા વિસ્તારમાં થયો? કેટલા લોકોના બચાવમાં તે ઉપયોગી સાબિત થયો? આ વિગતો જાહેર કરવી જોઈએ.
વરસાદ આવે ત્યારે હાથમાં વોકીટોકી, પાછળ વાહનોનો કાફલો અને કેમેરા સામે રાહત કામગીરીની તસવીરો, આને આપત્તિ વ્યવસ્થાપન ન કહેવાય. ખરેખર આપત્તિ વ્યવસ્થાપન ત્યારે કહેવાય જ્યારે વરસાદ પહેલાં નાળા સાફ હોય, ડ્રેનેજ વ્યવસ્થા કાર્યરત હોય અને લોકો પાણીમાં ફસાય તે પહેલાં તંત્ર મેદાનમાં હોય.

વોકીટોકીથી સંદેશો ઝડપથી પહોંચે એ વાત સાચી હોઈ શકે, પરંતુ લાખો રૂપિયાના ખર્ચની સામે તેની વાસ્તવિક જરૂરિયાત અને ઉપયોગિતા સાબિત કરવાની જવાબદારી પણ તંત્રની જ છે.

પહેલા તરવૈયા આવ્યા,તરાપા આવ્યા, હવે વોકીટોકી આવશે... પરંતુ સવાલ એક જ છે—દર વખતે સાધનો ખરીદાય છે, જનતાને પરિણામ ક્યારે મળશે?

પાલિકાએ હવે ખર્ચની મંજૂરી પહેલાં માત્ર ફાઇલ પર સહી કરવાને બદલે જનતાને સ્પષ્ટ જવાબ આપવો જોઈએ કે રૂ. 4.77 લાખના વોકીટોકીના ભાડા પાછળ વાસ્તવિક જરૂરિયાત કેટલી અને દેખાડો કેટલો?

Reporter: admin

Related Post