વડોદરા શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને સુવ્યવસ્થિત બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ‘વન ડે વન રોડ’ અભિયાન હેઠળ વિવિધ વિસ્તારોમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સફાઈ તેમજ વૃક્ષોના ટ્રિમિંગ અને કટીંગની કામગીરી કરવામાં આવી હતી.
અભિયાન અંતર્ગત રવિ પાર્ક હાઈ ટેન્શન રોડ, ઇસ્કોન હાઇટથી માનવ હોસ્પિટલ સુધીનો માર્ગ, નિલામ્બર સર્કલથી પ્રિયા સિનેમા, જીવનભારતીથી મુક્તાનંદ સર્કલ, સરસ્વતી ચાર રસ્તાથી ઇવા મોલ તેમજ સરદાર એસ્ટેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધીના માર્ગોને આવરી લેવામાં આવ્યા હતા.

આ માર્ગોની બંને બાજુ તેમજ રોડ ડિવાઇડર ખાતે સફાઈ કરવામાં આવી હતી. માર્ગોની આસપાસ ઉગી નીકળેલા ઝાડ-ઝાંખર, વધેલા વૃક્ષોના ડાળખા અને અનિયંત્રિત વનસ્પતિનું ટ્રિમિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં જરૂરી જણાયું ત્યાં વૃક્ષોની કટીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. કમાલાનગર વિસ્તારમાં વૃક્ષારોપણની કામગીરી પણ કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ ‘વન ડે વન રોડ’ અભિયાનનો મુખ્ય હેતુ શહેરના માર્ગોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને સુંદર બનાવવાનો છે. શહેરમાં હરિયાળો માહોલ જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ પર્યાવરણ મળી રહે તે માટે પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા આવી કામગીરી આગામી દિવસોમાં પણ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે.

Reporter: admin







