News Portal...

Breaking News :

વડોદરામાં ખાદ્ય એકમો પર તંત્રની તવાઈ, 22 યુનિટ ચેક; 5 બંધ

2026-09-02 12:24:04
વડોદરામાં ખાદ્ય એકમો પર તંત્રની તવાઈ, 22 યુનિટ ચેક; 5 બંધ

વડોદરા શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકાના ખોરાક શાખાએ વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. ઇનઓર્બિટ મોલ સામે ગોરવા, એલેમ્બિક સિટી, વાસણા-ભાયલી રોડ, ગોત્રી, સુરસાગર, જામ્બુવા બાયપાસ, હરણી-સમા લિંક રોડ, સયાજીગંજ અને અકોટા સહિતના વિસ્તારોમાં કુલ 22 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન મરચાં પાવડર, મીઠું, છોલે મસાલો, સેવ, ચણાદાળ, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, વિનેગર સહિત 10 ખાદ્યપદાર્થોના શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન વિવિધ એકમોમાં અસ્વચ્છતા, ખાદ્યપદાર્થો માટે ન્યૂઝપેપરનો ઉપયોગ, વેજ અને નોનવેજ ખાદ્યપદાર્થોની યોગ્ય ઓળખનો અભાવ, એક્સપાયરીવાળા ખાદ્યપદાર્થો અને સિન્થેટિક ફૂડ કલરના ઉપયોગ જેવી ખામીઓ સામે આવી હતી. કુલ 120 કિલો અખાદ્ય ખાદ્યપદાર્થોનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા 11 એકમોને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે ગંભીર ખામીઓને કારણે 5 યુનિટ બંધ કરાવવામાં આવ્યા હતા. વોર્ડની ટીમ સાથે સંયુક્ત કાર્યવાહી દરમિયાન વિવિધ એકમો પાસેથી કુલ રૂ.93 હજારનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બ્રહ્માનગર-2 અને ખોડીયારનગર વિસ્તારમાં લાયસન્સ કે રજીસ્ટ્રેશન વગર પાણીપુરીની પુરી બનાવતા એકમો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. વોર્ડ અને દબાણ શાખાની ટીમ સાથે ગેરકાયદે ભઠ્ઠીઓ અને શેડ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

Reporter: admin

Related Post