News Portal...

Breaking News :

હરિનગરમાં મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ

2026-09-02 12:20:46
હરિનગરમાં મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ

હરિનગર વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક લીકેજ સર્જાતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. ધસમસતા વેગ સાથે પાણી બહાર નીકળતાં હરિનગર બ્રિજ નજીકના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વડોદરા શહેરમાં પાણીની અછત અને પુરવઠાની સમસ્યાઓ વચ્ચે પીવાના પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પાઇપલાઇનમાંથી પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે થોડા જ સમયમાં મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયું હતું. રસ્તા પર પાણી ફરી વળતાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી હતી. કેટલાક સ્થળોએ વાહનોની ગતિ ધીમી પડતાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.

સ્થાનિક નાગરિકોએ ઘટનાની જાણ વડોદરા મહાનગરપાલિકાને કરતાં પાણી પુરવઠા વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટેકનિકલ સાધનો સાથે પહોંચેલી ટીમે પાણીનો પુરવઠો બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી અને લીકેજ બંધ કરવા માટે સમારકામ શરૂ કર્યું હતું.


પાઇપલાઇનમાં અચાનક ભંગાણ કયા કારણોસર સર્જાયું તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પાઇપલાઇન જૂની હોવાના કારણે, પાણીના ઊંચા દબાણને કારણે કે અન્ય કોઈ ટેકનિકલ ખામીના કારણે લીકેજ થયું છે તે જાણવા પાલિકાના ઇજનેરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ સમારકામ પૂર્ણ કરી પાણીનો પુરવઠો સામાન્ય કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

Reporter: admin

Related Post