News Portal...

Breaking News :

પાલિકાની બેદરકારીથી ઉનાળામાં પાણીનો વેડફાટ, નાગરિકોમાં રોષ

2026-06-17 17:25:05
પાલિકાની બેદરકારીથી ઉનાળામાં પાણીનો વેડફાટ, નાગરિકોમાં રોષ

વાડી ગાજરવાડી અને રાવપુરા કોઠી રોડ પર સતત લીકેજથી હજારો લીટર પાણી રસ્તા પર વહ્યું

વડોદરા: શહેરમાં સ્માર્ટ સિટીનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ મૂળભૂત સુવિધાઓની સ્થિતિ સતત ચિંતાજનક બની રહી છે. ભરઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં નાગરિકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે, ત્યાં બીજી તરફ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે. વાડી ગાજરવાડી અને રાવપુરા કોઠી રોડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણીની મુખ્ય લાઈનમાં સતત લીકેજની સમસ્યા યથાવત રહેતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વાડી ગાજરવાડી સ્મશાન રોડ વિસ્તારમાં મુખ્ય પાણીની લાઈનમાં થયેલા લીકેજના કારણે મોટાપાયે પાણી રોડ પર વહી ગયું હતું અને આખો વિસ્તાર પાણીથી ભરાઈ ગયો હતો. અનેક જગ્યાએ રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા અને વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. સ્થાનિક રહેવાસીઓએ વારંવાર તંત્રને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ પણ અધિકારી કે ટેકનિકલ ટીમ સ્થળ પર પહોંચી નહોતી, જેના કારણે લોકોમાં નારાજગી વધુ વધી હતી

આ જ પ્રકારની ઘટના રાવપુરા કોઠી રોડ વિસ્તારમાં પણ નોંધાઈ હતી, જ્યાં પાણીની લાઈનમાં થયેલા લીકેજના કારણે લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ ગયું હતું. લોકોનો આક્ષેપ છે કે સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાનું બજેટ ખર્ચવા છતાં પાલિકા તંત્ર મૂળભૂત પાણી પુરવઠા અને લાઈન મેન્ટેનન્સ જેવી બાબતોમાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.

ઉનાળામાં એક તરફ ગૃહિણીઓ વહેલી સવારે પાણી માટે લાઈનો લગાવવા મજબૂર છે, તો બીજી તરફ પાલિકાની બેદરકારીના કારણે પાણી રસ્તા પર વહી રહ્યું છે. આ સ્થિતિથી નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને લોકોએ તાત્કાલિક સમારકામની માંગ સાથે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Reporter: admin

Related Post