ઝોન-3 એલસીબી અને પાણીગેટ પોલીસની સંયુક્ત કાર્યવાહી, બસમાંથી વિદેશી દારૂ કબજે
વડોદરા: શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે પોલીસને મોટી સફળતા મળી છે. ઝોન-3 એલસીબી ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનની સંયુક્ત કાર્યવાહીમાં લક્ઝરી બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કુલ રૂ. 15.97 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના માર્ગદર્શન હેઠળ ઝોન-3 વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે જબ્બારઉલ ઉર્ફે જબ્બાર ઇદ્રીશમિયા મલેક નામનો વ્યક્તિ આજ્બડી મિલના ગ્રાઉન્ડ વિસ્તારમાં લક્ઝરી બસમાં દારૂનો જથ્થો સંતાડી ગેરકાયદે વેપાર ચલાવી રહ્યો છે. સાથે જ બસના ચેસીસ અને એન્જિન નંબરમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની પણ માહિતી મળી હતી.
માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસ નંબર AR-20-B-6644માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 562 નંગ દારૂ અને બિયર ટીન કબજે કર્યા હતા, જેની કિંમત અંદાજે રૂ. 97 હજારથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત આશરે રૂ. 15 લાખ કિંમતની લક્ઝરી બસ પણ જપ્ત કરવામાં આવી હતી.
આ રીતે કુલ રૂ. 15.97 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે તેમજ દારૂના નેટવર્ક અને સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Reporter: admin







