News Portal...

Breaking News :

300 દિવસમાં 125 વોટર કૂલર-પ્યુરિફાયર યુનિટનો અનોખો સેવા રેકોર્ડ

2026-06-17 17:12:02
300 દિવસમાં 125 વોટર કૂલર-પ્યુરિફાયર યુનિટનો અનોખો સેવા રેકોર્ડ

300 દિવસમાં 125 વોટર કૂલર-પ્યુરિફાયર યુનિટનો અનોખો સેવા રેકોર્ડ

વડોદરા: લાયન્સ ક્લબ દ્વારા સમાજસેવાના ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણાના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર 300 દિવસના ટૂંકા ગાળામાં 125 વોટર કૂલર-વોટર પ્યુરિફાયર યુનિટ સ્થાપિત કરીને અનોખો સેવા રેકોર્ડ સર્જવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સ્કૂલો, કોલેજો અને જાહેર સ્થળોએ લોકો માટે શુદ્ધ અને ઠંડું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો હતો.

આ પ્રોજેક્ટની શરૂઆત 3 ઓગસ્ટ, 2025ના રોજ કરવામાં આવી હતી, જેમાં શરૂઆતમાં 100 યુનિટ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જોકે સમાજ, દાતાશ્રીઓ, વિવિધ લાયન્સ ક્લબો અને સેવાભાવી સંસ્થાઓના ઉત્સાહજનક સહકારને કારણે આ લક્ષ્યાંક વધારીને 125 યુનિટ કરવામાં આવ્યો હતો. 30 જૂન, 2026 સુધીમાં તમામ યુનિટ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટની વિશેષતા એ રહી કે સરેરાશ દર અઢી દિવસે એક નવા યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પોસ્ટ ગ્રેજ્યુએશન બિલ્ડિંગ ખાતે 120મા વોટર કૂલર-પ્યુરિફાયર યુનિટનું ઉદ્ઘાટન ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જો એક યુનિટ દ્વારા દરરોજ સરેરાશ 200 લોકો લાભ મેળવે તો 125 યુનિટ દ્વારા રોજના આશરે 25 હજાર લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળી શકે છે.

કાર્યક્રમમાં કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રા. પ્રજ્ઞેશ શાહ સહિત લાયન્સ ક્લબના હોદ્દેદારો, સભ્યો અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટને સમાજના આરોગ્ય અને સુખાકારી માટેની એક પ્રેરણાદાયી સેવા પહેલ તરીકે બિરદાવવામાં આવી રહ્યો છે.

Reporter: admin

Related Post