વડોદરા સ્માર્ટ સિટી મિશન હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૨૧-૨૨ના સમયગાળા દરમિયાન વિકાસ કાર્યો માટે ફાળવાયેલા જાહેર ભંડોળમાંથી મોટી રકમ આવકવેરા અને વ્યાજ પેટે ચૂકવવી પડી હોવાનો ખુલાસો ઓડિટ રેકોર્ડના આધારે થયો છે. આંતરિક નાણાકીય નિયંત્રણોના અભાવે અને ખામીયુક્ત ટેક્સ ગણતરીનાં કારણે સરકારી ભંડોળનો આ પ્રકારે ઉપયોગ થયો હોવાનું ઓડિટ વિભાગે નોંધ્યું છે, જેના લીધે તત્કાલીન નાણાકીય આયોજનની પોકળતા અને વહીવટી અણઆવડત સામે આવી છે.
પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ, ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર યાદીની વિગતો ચકાસતા જાણવા મળે છે કે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૨૧-૨૨ દરમિયાન વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા આવકવેરા અને વિલંબિત ચૂકવણીનાં વ્યાજ પેટે કુલ ૪૯,૭૫,૧૮૦ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની સ્માર્ટ સિટી મિશન ગાઇડલાઇન્સ મુજબ આ પ્રોજેક્ટ માટે ફાળવાયેલી ગ્રાન્ટ માત્ર વિકાસલક્ષી કાર્યો માટે અલગ ખાતામાં રાખવાની હોય છે. જોકે, એકાઉન્ટ્સ નિભાવવામાં થયેલી ગંભીર ચૂક અને ખામીયુક્ત ટેક્સ ગણતરીના કારણે જાહેર નાણાંનો આ પ્રકારે બિનજરૂરી ખર્ચ કરવો પડ્યો હોવાનું આર્થિક ચકાસણી દરમિયાન સામે આવ્યું છે. આ ગંભીર નાણાકીય બેદરકારીને કારણે પ્રજાના વિકાસ માટે ખર્ચાનારું ફંડ વહીવટી વડાઓની અણઆવડતના કારણે કરવેરાની ચૂકવણીમાં હોમાઈ ગયું હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ સમગ્ર નાણાકીય વિવાદની વિગતો અનુસાર, સ્માર્ટ સિટી કંપનીએ વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૭,૪૪,૪૧૫ રૂપિયા ટેક્સ અને ૬૬,૩૧૫ રૂપિયા વ્યાજ પેટે ચૂકવ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૮-૧૯માં ૧,૯૪,૫૫૦ રૂપિયા ટેક્સ અને ૨૪,૨૮૧ રૂપિયા વ્યાજ, વર્ષ ૨૦૧૯-૨૦માં ૬,૭૫,૮૪૦ રૂપિયા ટેક્સ અને ૫૧,૮૨૪ રૂપિયા વ્યાજ તેમજ પછીના બે વર્ષોમાં અનુક્રમે ૬૮,૦૬૪ રૂપિયા અને ૧,૪૯,૩૫૧ રૂપિયા જેટલી રકમ આવકવેરા વિભાગને ચૂકવવામાં આવી હતી. તપાસ સમિતિની નોંધ અનુસાર, કંપનીએ ડિસેમ્બર ૨૦૧૭માં ૨.૦૪ કરોડ રૂપિયા જેટલો એડવાન્સ ટેક્સ ભરી દીધો હતો, જેમાંથી આશરે ચાર વર્ષ બાદ એપ્રિલ ૨૦૨૨માં ૧.૬૬ કરોડ રૂપિયાનું રિફંડ પરત મળ્યું હતું. જો શરૂઆતથી જ કરવેરાની જવાબદારીનું યોગ્ય આયોજન કરાયું હોત, તો ૩૮.૧૦ લાખ રૂપિયાનો બિનજરૂરી ખર્ચ બચી શક્યો હોત અને ચાર વર્ષ સુધી આવકવેરા વિભાગમાં અટવાઈ પડેલા આ જાહેર ભંડોળ પર ૪૩.૧૨ લાખ રૂપિયાનું વ્યાજ પણ કમાઈ શકાયું હોત. કંપનીમાં સત્તાવાર હિસાબી ચકાસણી અને આંતરિક નિરીક્ષણ પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં આવી મોટી વહીવટી ચૂક થવી એ સ્માર્ટ સિટીના અધિકારીઓ સામે મોટો સવાલ ઊભો કરે છે.
સામાન્ય રીતે પ્રજા પાસેથી ટેક્સ વસૂલવા માટે કાયદાની કલમોનો ડર બતાવતું તંત્ર જ્યારે પોતાનાં જ હસ્તકના જાહેર ભંડોળનું યોગ્ય આયોજન ન કરી શકે, ત્યારે સમગ્ર વ્યવસ્થાની ગંભીરતા શૂન્ય થઈ જાય છે. પ્રોજેક્ટનાં હેતુથી વિપરીત જઈને મિશનના નાણાં ટેક્સની ગૂંચવણોમાં ફસાવી રાખવા એ નાણાકીય વ્યવસ્થાપનની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે. સ્માર્ટ સિટીના નામે માત્ર પ્રોજેક્ટ્સ જ નહીં, પરંતુ વહીવટી બહાનાબાજી પણ કેટલી "સ્માર્ટ" હોઈ શકે તે આ સમગ્ર વિવાદે સાબિત કરી દીધું છે. હવે જોવાનું એ રહે છે કે આ સત્તાવાર ખુલાસાઓ પછી પણ એસી કેબિનોમાં બેસતા સાહેબોની ઊંઘ ઊડશે કે પછી પ્રજાના પૈસે લીલાલહેરની આ વર્ષો જૂની પરંપરા આમ જ અવિરત ચાલુ રહેશે.
Reporter: admin







