વડોદરા ગ્રામ્ય પોલીસના 'ઓપરેશન પરાક્રમ' અંતર્ગત વધુ એક ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સ્મોલ કોઝ કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદની સજા અને દંડ ફટકાર્યા બાદ કોર્ટના વોરંટ છતાં નાસતા ફરતા આરોપીને પેરોલ-ફર્લો સ્ક્વોડે વાઘોડિયા ચોકડી વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, એડીશનલ જજ, સ્મોલ કોઝ કોર્ટ વડોદરાએ ક્રિમિનલ કેસ નં. 29238/2022માં ભાવિનકુમાર હસમુખભાઈ પટેલ, રહે. સિદ્ધારકુટીર સોસાયટી, માડોધર રોડ, વાઘોડિયા,ને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ અને રૂ.4.50 લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ નહીં ભરે તો વધુ છ મહિનાની સાદી કેદની સજાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો.
કોર્ટના આદેશ બાદ આરોપીને પકડી કોર્ટમાં રજૂ કરવા સી.આર.પી.સી. કલમ-70 હેઠળ ધરપકડ વોરંટ જારી કરાયું હતું. જોકે આરોપી લાંબા સમયથી ફરાર હતો.
આ દરમિયાન પેરોલ-ફર્લો સ્ક્વોડે આરોપીના સંભવિત ઠેકાણાઓ પર નજર રાખી, માહિતી એકત્ર કરી અને બાતમીદારોને સક્રિય કર્યા હતા. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે વાઘોડિયા ચોકડી વિસ્તારમાં દરોડો પાડી આરોપી ભાવિનકુમાર હસમુખભાઈ પટેલને ઝડપી લીધો હતો.
પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાઘોડિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, 'ઓપરેશન પરાક્રમ' હેઠળ ફરાર અને વોન્ટેડ આરોપીઓ સામે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.
Reporter: admin







