વડોદરા શહેરમાં માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે સયાજીગંજ પોલીસે વધુ એક સફળ કાર્યવાહી કરી છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-6 નજીક આવેલા જય માતાજી પે એન્ડ પાર્ક પાસેથી પોલીસે 474 ગ્રામ ગાંજો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.37,040નો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં આસીફ ઉર્ફે માહીર યાસીનભાઈ વ્હોરા, રૂકસાના જીતેન્દ્રસિંહ ઠાકોર અને પુષ્પા અનીલભાઈ ગરાસીયાની ધરપકડ કરીને તેમની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસને મળેલી બાતમી મુજબ સુરતથી ગાંજાનો જથ્થો ટ્રેન મારફતે વડોદરા લાવવામાં આવી રહ્યો હતો અને રેલવે સ્ટેશન પાછળ ફૂટપાથ પર રહેતા લોકો સુધી પહોંચાડવાનો હતો. બાતમીના આધારે સયાજીગંજ પોલીસની ટીમે જય માતાજી પાર્કિંગ નજીક વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. દરમિયાન ત્રણેય આરોપીઓને શંકાસ્પદ હાલતમાં રોકી તપાસ કરતાં તેમની પાસેથી 474 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે ગાંજાની કિંમત રૂ.23,700 તેમજ અન્ય વસ્તુઓ સહિત કુલ રૂ.37,040નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(A) અને 29 હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો સુરતથી મંગાવવામાં આવ્યો હતો. હવે આ નશીલા પદાર્થના સપ્લાય ચેઇન અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ કરી છે.
Reporter: admin







