વડોદરાના ગોરવા GIDC વિસ્તારમાં આવેલી બંધ ફેક્ટરીમાં થયેલી રૂ.1.95 લાખની ઘરફોડ ચોરીનો ભેદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ચોરીમાં ગયેલો લગભગ તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે ગોરવા પોલીસને સોંપ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ દેવ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી અમિત એન્જિનિયરિંગ વર્ક્સ નામની પિત્તળની મેન્યુફેક્ચરિંગ યુનિટમાં 21 અને 26 જુલાઈની મોડી રાત્રે પાછળના ભાગના પતરા તોડી ચોરો ઘૂસ્યા હતા. ત્યાંથી CCTVનો DVR સેટ, હાર્ડ ડિસ્ક, VPN સિસ્ટમ, ઈન્ટરનેટ અને Wi-Fi રાઉટર, નેટવર્ક સ્વીચ તેમજ 168 પિત્તળના બુશ સહિત કુલ રૂ.1.95 લાખનો સામાન ચોરી થયો હતો.
ક્રાઇમ બ્રાન્ચે CCTV ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેક્નિકલ તપાસના આધારે દીવ્યાંગ ઉર્ફે નાનુ વિરબહાદુર રાણા અને અંકિત વિભાકર સેલાત સુધી પહોંચીને ખાસવાડી સ્મશાન રોડ પરથી બંનેને મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરી કરેલો ઇલેક્ટ્રોનિક સામાન મળી આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ બે અલગ-અલગ રાત્રે ફેક્ટરીમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઓળખ ન થાય તે માટે તેમણે ફેક્ટરીમાં લાગેલી CCTV સિસ્ટમ પણ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ચોરી કરેલા પિત્તળના બુશ નવાયાર્ડ વિસ્તારમાં વેચી નાખ્યાનું પણ સામે આવ્યું છે. પોલીસે વેચાયેલ મુદ્દામાલ પણ શોધી કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin







