News Portal...

Breaking News :

બાપોદમાં દારૂની ડિલિવરી પહેલાં જ પોલીસનો દરોડો: કાર સાથે જથ્થો ઝડપાયો

2026-08-05 10:48:56
બાપોદમાં દારૂની ડિલિવરી પહેલાં જ પોલીસનો દરોડો: કાર સાથે જથ્થો ઝડપાયો

વડોદરા શહેર પોલીસની પીસીબી શાખાએ બાપોદ વિસ્તારમાં કાર્યવાહી કરીને ફોર વ્હીલરમાં મંગાવેલા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.


પોલીસને માહિતી મળી હતી કે બાપોદ જકાતનાકા પાસે આવેલા હિરાબાનગરના ખુલ્લા મેદાનમાં એક હોન્ડાઈ ક્રેટા કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે અને તે પહોંચાડવાની તૈયારી ચાલી રહી છે. બાતમીને આધારે પીસીબીની ટીમે સ્થળ પર પહોંચીને વોચ ગોઠવી હતી. ત્યારબાદ પોલીસે રેડ કરતાં કારમાં ભરેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

કાર્યવાહી દરમિયાન પોલીસે યોગેશ વિષ્ણુભાઈ ચાવડાને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ પહોંચાડવા આવેલા અન્ય વ્યક્તિ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કાર સહિત દારૂનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો.

આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના કહેવા પર મંગાવવામાં આવ્યો હતો અને તેની સપ્લાય કોને કરવાની હતી તે સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ચકચાર મચી છે.

Reporter: admin

Related Post