News Portal...

Breaking News :

મોકામા પાસે નવા રેલવે બ્રિજના કામને કારણે સપ્ટેમ્બરમાં 845 ટ્રેનો પ્રભાવિત, 338 ટ્રેનો રહેશે રદ

2026-08-05 10:46:38
મોકામા પાસે નવા રેલવે બ્રિજના કામને કારણે સપ્ટેમ્બરમાં 845 ટ્રેનો પ્રભાવિત, 338 ટ્રેનો રહેશે રદ

 ભારતીય રેલવેએ બિહારના મોકામા નજીક ગંગા નદી પર બની રહેલા નવા ડબલ લાઇન રેલવે બ્રિજને હાલના રેલવે નેટવર્ક સાથે જોડવાના નોન-ઇન્ટરલોકિંગ (NI) કામને કારણે 21 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, 2026 દરમિયાન ટ્રેન વ્યવહારમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન કુલ 845 ટ્રેન સેવાઓ રદ, રૂટ બદલવા અથવા આંશિક રીતે સંચાલિત કરવામાં આવશે.

પૂર્વ મધ્ય રેલવે (ઈસ્ટ સેન્ટ્રલ રેલવે)ના જણાવ્યા અનુસાર, 14 દિવસીય કામગીરી દરમિયાન 338 ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે, 384 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવશે, 56 ટ્રેનોને નિર્ધારિત સ્થળ પહેલાં જ સમાપ્ત કરવામાં આવશે, જ્યારે 67 ટ્રેનો તેમના મૂળ સ્ટેશનના બદલે વચ્ચેના સ્ટેશનથી શરૂ કરવામાં આવશે.

પૂર્વ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સરસ્વતી ચંદ્રાએ જણાવ્યું હતું કે, ગંગા નદી પર હાલ કાર્યરત રેલવે બ્રિજ પર માત્ર સિંગલ લાઇન છે અને તકનીકી મર્યાદાઓને કારણે તેને ડબલ લાઇનમાં રૂપાંતરિત કરી શકાય તેમ નથી. તેથી વર્ષ 2015-16ના રેલવે બજેટમાં અંદાજિત રૂ. 1,491.47 કરોડના ખર્ચે સમાનાંતર ડબલ લાઇન રેલવે બ્રિજને મંજૂરી આપવામાં આવી હતી.

આ પ્રોજેક્ટ હેઠળ અપ્પર હથિદાહ જંક્શન, ટાલ જંક્શન, રામપુર ડુમરા, દિનકર ગ્રામ સિમરિયા અને બરૌની જંક્શનને નવા બ્રિજ સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે. રેલવેના જણાવ્યા મુજબ, આ કામગીરી પૂર્ણ થયા બાદ પૂર્વ ભારતના રેલ નેટવર્કની ક્ષમતા વધશે તેમજ ટ્રેનોનું સંચાલન વધુ ઝડપી અને સુગમ બનશે.

મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે પ્રવાસ પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિ ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા રેલવે પૂછપરછ સેવાઓ પર ચકાસી લે.

Reporter: admin

Related Post