વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને જનસુવિધામાં અડચણરૂપ બનતા ગેરકાયદે દબાણો સામે મહાનગરપાલિકાની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી કરી હતી.

મનપાની દબાણ શાખાની ટીમ દ્વારા રિલાયન્સ સર્કલ, સરદાર એસ્ટેટ સર્કલ, કમલાનગર તળાવ વિસ્તાર તેમજ પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટરની કમ્પાઉન્ડ વોલ પાસેના નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાઘોડિયા બ્રિજ અને આજવા ચોકડી બ્રિજ નીચે રહેતા શ્રમિકોને પણ અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા.
આ કામગીરી દરમિયાન બિલ્ડિંગ શાખાના સ્ટાફને સાથે રાખીને સંગમ ચાર રસ્તા પાસે આવેલી સુભાષ પાર્ક સોસાયટીમાં પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજી તરફ ટીપી-24 અંતર્ગત સેવાસી, ખાનપુર, અંકોડીયા અને મહાપુરા વિસ્તારમાં 75 મીટરના રિંગ રોડ તેમજ 24 મીટરના ટીપી રોડને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સંયુક્ત કામગીરીમાં વુડા, મનપાની દબાણ શાખા, ટીપી વિભાગ, MGVCL, ફાયર બ્રિગેડ અને તાલુકા પોલીસના કર્મચારીઓ જોડાયા હતા.
આ કામગીરીમાં આશરે 15 જેટલા ખેતરોમાંથી પસાર થતા એક કિલોમીટર લાંબા રોડ પરથી ઓરડીઓ, ફેન્સિંગ અને કમ્પાઉન્ડ વોલ જેવા દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. મનપાની આ કાર્યવાહીથી જાહેર માર્ગો પર અવરજવર સરળ બનશે.
Reporter: admin







