અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, વડોદરા દ્વારા કાયાવરોહણ તીર્થ સ્થિત ગાયત્રી શક્તિપીઠ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વામિત્ર ઋષિની તપોભૂમિ અને પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની દિવ્ય કર્મભૂમિ ગણાતા શક્તિપીઠ ખાતે શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો.

પ્રસંગ દરમિયાન અગિયાર યુવા દંપતિઓ દ્વારા પાદુકા પૂજન અને ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિજનો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન 400થી વધુ ભાઈ-બહેનોએ ગાયત્રી મહામંત્રની દીક્ષા ગ્રહણ કરી હતી.
પાદુકા પૂજન અને મહાયજ્ઞનું સંચાલન આદરણીય મહેશભાઈ પંડ્યા અને ઉમાબેન પંડ્યાએ કર્યું હતું, જ્યારે પ્રજ્ઞાપુત્રી આદરણીય તારાબેન પંડ્યાએ ભાવસભર વાતાવરણમાં ઉપસ્થિત ભાવિકોને ગાયત્રી મહામંત્રની દીક્ષા અપાવી હતી.
સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ, વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞની દિવ્ય સુગંધ વચ્ચે સંપન્ન થયો હતો. મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના પરિજનો ઉપસ્થિત રહી ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.
Reporter:







