ઝોન-૦૩ની નાસતા ફરતા સ્કોડની કાર્યવાહી, માનવ અને ટેકનિકલ માહિતીના આધારે આરોપીની ધરપકડ
વડોદરા શહેરમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં ફરાર જાહેર કરાયેલા આરોપીઓને પકડવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નીલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ઝોન-૦૩ની નાસતા ફરતા સ્કોડને મહત્વની સફળતા મળી છે.
પોલીસને મળેલી માનવ માહિતી અને ટેકનિકલ તપાસના આધારે જાણવા મળ્યું હતું કે ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૦માં નોંધાયેલા બે ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપી રાજનેર બાલુ સેલકે અલગ-અલગ રાજ્યોમાં વેશ બદલીને રહેતો હતો. હાલ તે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખોપોલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ માહિતીના આધારે પોલીસ ટીમે સ્થળ પર નજર રાખી હતી અને આરોપી ઘરની બહાર નીકળતાં જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં તેને વધુ તપાસ માટે ડી.સી.બી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
તપાસ મુજબ આરોપી અને તેના સાથીદારોએ મળીને પટણી કો-ઓપરેટિવ બેંક સાથે છેતરપિંડી કરી હતી. બેંકના ગ્રાહકો પાસેથી વસૂલ કરાયેલી આશરે રૂ. ૨૫ લાખની રકમ અંગે ખોટી એફ.ડી. રસીદો બનાવી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વધુ એક અન્ય ગુનામાં પણ આરોપી અને તેના સાથીદારોએ મળીને અંદાજે રૂ. ૧.૭૫ કરોડથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું આરોપ છે.
પોલીસ હાલ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા પણ ચકાસી રહી છે.
Reporter:







