હવે સિરપ ખરીદવા માટે પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત? સરકારનો મોટો નિર્ણય
નવી દિલ્હી: દવાઓના સુરક્ષિત ઉપયોગ અને તેના વધતા દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નવા નિયમો જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે હવે કફ સિરપ સહિત તમામ પ્રકારની સિરપ આધારિત દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ઉપલબ્ધ નહીં થાય. આ નવા નિયમો 1 જાન્યુઆરી, 2027થી સમગ્ર દેશમાં અમલમાં આવશે.મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા Drugs (5th Amendment) Rules, 2026 હેઠળ ડ્રગ્સ રૂલ્સ, 1945ના ‘શેડ્યૂલ K’માંથી સિરપને દૂર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કેટલીક સિરપ દવાઓ ઓવર-ધ-કાઉન્ટર (OTC) કેટેગરીમાં આવતી હોવાથી દર્દીઓ તેને ડૉક્ટરની ચિઠ્ઠી વિના પણ ખરીદી શકતા હતા. હવે નવા નિયમ મુજબ આવી તમામ દવાઓ માટે પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત રહેશે.સરકારના જણાવ્યા મુજબ કફ સિરપ અને અન્ય સિરપ આધારિત દવાઓના વધતા દુરુપયોગ, ઓવરડોઝ, બાળકોમાં ખોટા ડોઝ અને નકલી અથવા મિલાવટી દવાઓના જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દર્દીઓની સુરક્ષા અને દવાઓના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો આ પગલાનો મુખ્ય હેતુ છે.
નવા નિયમો અનુસાર મેડિકલ સ્ટોર્સને પણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના સિરપ ન વેચવા સૂચના આપવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.આ ઉપરાંત સરકારે સિરપ અને અન્ય લિક્વિડ દવાઓના વેચાણ માટે પણ નવા માપદંડ નક્કી કર્યા છે. હવે આવી દવાઓ સિંગલ-યુનિટ પેકમાં જ વેચી શકાશે, જેથી ઓવરડોઝ અને ખોટા ઉપયોગનું જોખમ ઘટાડી શકાય.સરકારે દવા ઉત્પાદક કંપનીઓને જૂનો સ્ટોક વેચવા માટે છ મહિનાનો સમય આપ્યો છે. નિષ્ણાતોના મતે આ નિર્ણયથી બાળકો અને વૃદ્ધોની સુરક્ષા વધશે, દવાઓની ગુણવત્તા જળવાશે અને દુરુપયોગના કેસોમાં ઘટાડો થવાની શક્યતા છે.
Reporter: admin







