News Portal...

Breaking News :

વડાપ્રધાનના વડોદરા પ્રવાસ પૂર્વે ક્રાઈમ બ્રાન્ચનું સઘન ચેકિંગ

2026-09-03 12:05:41
વડાપ્રધાનના વડોદરા પ્રવાસ પૂર્વે ક્રાઈમ બ્રાન્ચનું સઘન ચેકિંગ

વડોદરા શહેરમાં આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ કાર્યક્રમ યોજાનાર હોવાથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી શહેર પોલીસ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના અનુસાર વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં આવેલી હોટલો, ગેસ્ટ હાઉસ તેમજ શહેરમાં પ્રવેશતા અને શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


ક્રાઈમ બ્રાન્ચે વિવિધ ટીમો બનાવી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. હોટલો અને ગેસ્ટ હાઉસમાં રોકાયેલા લોકોની રજિસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ તેમના આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રોની પણ તપાસ કરવામાં આવી હતી.

હોટલ સંચાલકો દ્વારા નિયમ મુજબ મહેમાનોની જરૂરી માહિતી ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે કે નહીં તેની પણ ખાતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત હોટલના રિસેપ્શન, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને લોબીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરા ચાલુ હાલતમાં છે કે નહીં તેમજ તેનું રેકોર્ડિંગ યોગ્ય રીતે થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ હોટલના રૂમ્સમાં પણ તપાસ કરી હતી અને શંકાસ્પદ જણાતા લોકોના ઓળખ પુરાવાના આધારે ચેકિંગ હાથ ધર્યું હતું. બીજી તરફ વડોદરા શહેરમાં પ્રવેશતા વાહનો અને શંકાસ્પદ જણાતા વાહનચાલકોની પૂછપરછ કરી વાહનોની પણ તપાસ કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ હોટલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોને કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ હોટલ સંચાલકોને તમામ નિયમોનું કડક પાલન કરવા જણાવાયું છે

Reporter: admin

Related Post