વડોદરા શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ કપુરાઈ પોલીસે ખટંબા વિસ્તારમાં એક મકાનમાં ચાલતા જુગારધામ પર કાર્યવાહી કરી મકાન માલિક સહિત કુલ 14 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રૂ.4,81,420નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, 18 ઓગસ્ટના રોજ કપુરાઈ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ખટંબા અર્બન રેસિડન્સીના એક મકાનમાં બહારથી લોકોને ભેગા કરી પત્તા-પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર કાર્યવાહી કરતાં જુગાર રમતા કુલ 14 ઇસમો મળી આવ્યા હતા. પોલીસે જયેશ બાલુભાઈ માછી, હિતેશ જીતેન્દ્રભાઈ દરજી, કરણ ઠાકોરભાઈ કહાર, સાગર પ્રકાશભાઈ પ્રજાપતિ, સાગર કંચનભાઈ માછી, પ્રકાશ સંજયભાઈ માછી, ધવલ અનિલભાઈ રાજપુત, મયુર કનુભાઈ પાટણવાડીયા, કુનાલ નગિનભાઈ રાજપુત, કરણ સુરજભાઈ ઠાકોર, ચિંતન કિશોરભાઈ રાવળ, દેવેન્દ્ર દુર્ગાપ્રસાદ કહાર, મયુર જગદીશભાઈ ચુનારા અને પાર્થ અશોકભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા.
પોલીસે તેમની પાસેથી 12 મોબાઇલ ફોન, રોકડ રકમ, પત્તા-પાનાના બોક્સ તેમજ ત્રણ વાહનો સહિત કુલ રૂ.4,81,420નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કપુરાઈ પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin







