શહેર ક્રાઇમ બ્રાન્ચે પ્રતાપનગર રોડના દાલીયાવાડી વિસ્તારમાંથી આશરે નવ મહિના પહેલા ચોરાયેલી એક્ટીવા મોપેડ સાથે એક આરોપીને ઝડપી વાહન ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરાયેલી એક્ટીવા કબજે કરી વધુ તપાસ માટે વાડી પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં વધતા વાહન ચોરીના ગુનાઓને અટકાવવા તેમજ અગાઉ બનેલા ચોરીના ગુનાઓ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત પેટ્રોલિંગ અને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશ્નર નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાહનચોરોને શોધવા માટે સક્રિય કામગીરી કરી રહી હતી.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની દોરવણી હેઠળ પો.સબ.ઇન્સ. આર.એન. બારૈયાની ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ગૌરવ સોસાયટીના નાકે, અજબડી મિલથી પાણીગેટ તરફ જતા રસ્તા પરથી શંકાસ્પદ એક્ટીવા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપીની પૂછપરછ કરતાં તેની પાસેથી મળેલી એક્ટીવા પર આગળ-પાછળ નંબર પ્લેટ ન હોવાનું તેમજ વાહનના કોઈ દસ્તાવેજો ન હોવાનું સામે આવ્યું હતું. સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ આશરે નવ મહિના પહેલા પ્રતાપનગર રોડના દાલીયાવાડી વિસ્તારમાંથી એક્ટીવા ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
પોલીસ તપાસમાં આ એક્ટીવા ચોરી અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આરોપી ઇમરાન સમશાદહુસેન ગોરી આજવા રોડ વિસ્તાર, વડોદરાને ઝડપી ચોરાયેલી એક્ટીવા કબજે કરી છે. આ અંગે વાડી પોલીસને જાણ કરી આરોપી અને વાહનને વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Reporter: admin







