સસ્તા ભાવે સોનું અપાવવાની તેમજ રૂ.10 કરોડની લોન અપાવવાની લાલચ આપી રૂ.4.92 કરોડની ઠગાઇ કરવાના ગુનામાં નાસતા ફરતા અને ગુજસીટોકના ગુનામાં ધરપકડ વોરંટ ઇશ્યૂ થયેલા બિચ્છુ ગેંગના આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ગત 21 નવેમ્બર, 2025ના રોજ નોંધાયેલા ઠગાઇના ગુનામાં આરોપીઓએ ફરિયાદીને ઓછી કિંમતે સોનું આપવાની અને રૂ.10 કરોડની લોન અપાવવાની લાલચ આપી કુલ રૂ.4.92 કરોડ પડાવી લીધા હતા. બાદમાં નક્કી કરેલું સોનું કે લોન ન આપતા બનાવટી પોલીસ ઉભી કરી ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. તપાસ દરમિયાન આ ગુનામાં બિચ્છુ ગેંગ સાથે સંકળાયેલા તનવીર ઉર્ફે તન્નુ શબ્બીરભાઇ મલેકની સંડોવણી બહાર આવી હતી. જોકે, તે પોલીસની પકડથી દૂર હતો.
આ ઉપરાંત વર્ષ 2021માં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં પણ તનવીર મલેક આરોપી હતો. આ કેસમાં જામીન પર છૂટ્યા બાદ ટ્રાયલ દરમિયાન કોર્ટમાં હાજર ન રહેતા તેની સામે ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટે પણ તેના જામીન રદ કર્યા હતા.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી ચાંપાનેર ભોઇવાડા રોડ પર નર્મદા કન્યા શાળા સામે અશરફના ડેલામાં આવેલા મકાનના ત્રીજા માળે છુપાયો હોવાની માહિતી મળી હતી. ટીમે દરોડો પાડી ભાગવાનો પ્રયાસ કરતા તનવીર ઉર્ફે તન્નુ મલેક ને ઝડપી લીધો હતો. તેની સામે બંને ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
Reporter: admin







