News Portal...

Breaking News :

કોર્પોરેશનના પ્રોજેક્ટ વિભાગ પર ગંભીર આક્ષેપ — નવી વરસાદી ચેનલ બની 'ડ્રેનેજ ચેનલ'.

2026-06-24 11:03:11
 કોર્પોરેશનના પ્રોજેક્ટ વિભાગ પર ગંભીર આક્ષેપ — નવી વરસાદી ચેનલ બની 'ડ્રેનેજ ચેનલ'.

વડોદરા કોર્પોરેશનના પ્રોજેક્ટ વિભાગના સ્માર્ટ એન્જિનિયરોની કામગીરી ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. સ્માર્ટ સિટીના દાવા કરતી વડોદરા કોર્પોરેશનના ટેકનિકલ એક્સપર્ટો સીધા રૂટના બદલે વળાંકવાળા ‘સી-આકાર’માં પ્રોજેક્ટની લાઈનો નાખવામાં પાવરધા હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ નિમેટાથી સરદાર એસ્ટેટ સુધીની કરોડો રૂપિયાની પાણીની લાઈનનો આખો રૂટ બદલીને તેને ‘સી-આકાર’માં ગોઠવવાનું પરાક્રમ કરનારા એન્જિનિયરોએ હવે વધુ એક પ્રોજેક્ટમાં પોતાની બુદ્ધિનું અદ્ભુત પ્રદર્શન કર્યું છે.

બાપોદ જકાતનાકાથી વૈકુંઠ થઈને કપુરાઈ સુધી કરોડોના ખર્ચે બની રહેલી નવી વરસાદી આર.સી.સી. ચેનલને પણ ભોગ ભોગવીને તદ્દન ખોટી રીતે વાંકીચૂંકી ‘સી-આકાર’માં નાખવામાં આવી છે. આ ગંભીર લોલમલોલ અને એન્જિનિયરિંગની ખામી સામે વડોદરાના જાગૃત કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીએ કોર્પોરેશનના સત્તાધીશો અને ભ્રષ્ટ અધિકારીઓ સામે આકરા પ્રહારો કરીને ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે.


કોર્પોરેટર આશિષ જોશીએ મજબૂત પુરાવાઓ સાથે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, બાપોદથી કપુરાઈ સુધી અંદાજે 12 કરોડ રૂપિયાના ખર્ચે જનતાના ટેક્સના પૈસામાંથી આ નવી વરસાદી આર.સી.સી. ચેનલ તૈયાર કરવામાં આવી રહી છે. ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાનું આ નવું માળખું ઊભું કરાયું છે, પરંતુ ચોમાસું પૂરેપૂરું બેસે અને ધોધમાર વરસાદ પડે તે પહેલાં જ આ આખી નવીન વરસાદી ગટરમાં અત્યારથી જ 80 ટકા જેટલું ડ્રેનેજનું પાણી આવી ગયું છે.


આનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે શહેરમાં ડ્રેનેજ કનેક્શનોનું કોઈ યોગ્ય આયોજન નથી અને નવી વરસાદી ચેનલોમાં ગેરકાયદેસર રીતે અથવા એન્જિનિયરોની મીલીભગતથી ડ્રેનેજની લાઈનો જોડી દેવામાં આવી છે. વડોદરાની જનતા માટે આ શરમજનક બાબત છે કે આ પ્રોજેક્ટના એન્જિનિયરો જાણીજોઈને ભ્રષ્ટાચાર કરવા અને કોન્ટ્રાક્ટરોને આર્થિક ફાયદો કરાવવા માટે સીધા રસ્તાના બદલે લાઈનો અને ચેનલોને ખોટી રીતે ગોળ-ગોળ ફેરવીને લાંબી કરે છે, જેથી પ્રોજેક્ટનું બજેટ કરોડો રૂપિયા વધી જાય.

12 કરોડ રૂપિયા વાપરી નાખ્યા પછી પણ જો નવી વરસાદી ચેનલ ડ્રેનેજના ગંદા પાણીથી ઉભરાતી હોય, તો આગામી ચોમાસામાં જ્યારે ભારે વરસાદ પડશે ત્યારે પૂર્વ અને દક્ષિણ વિસ્તારના નાગરિકોના ઘરોમાં આ ગંદુ પાણી બેક મારશે અને રોગચાળો ફાટી નીકળશે તેવી પૂરેપૂરી દહેશત વર્તાઈ રહી છે.


કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીએ આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કડક તપાસની માંગ કરી છે અને આ ‘સી-આકાર’ વાળું પ્લાનિંગ કરનારા તમામ એન્જિનિયરોને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તેમની સામે કડક પગલાં લેવાની તાકીદ કરી છે.

Reporter: admin

Related Post