News Portal...

Breaking News :

એરપોર્ટ પર 'ભારત ટેક્સી'નો પ્રારંભ: હવે ઓછા ભાડે સુરક્ષિત અને વિશ્વસનીય મુસાફરી

2026-08-05 10:57:57
એરપોર્ટ પર 'ભારત ટેક્સી'નો પ્રારંભ: હવે ઓછા ભાડે સુરક્ષિત અને વિશ્વસનીય મુસાફરી

વડોદરા એરપોર્ટ પર મંગળવારે સ્વદેશી અને સહકારિતાના અભિગમ સાથે 'ભારત ટેક્સી' સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ પાયલોટ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ટેક્સી માલિકો અને ડ્રાઇવરોને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવાનો છે.


'ભારત ટેક્સી' એપ દ્વારા બુકિંગથી મળતા ભાડાનો મોટો હિસ્સો સીધો જ ડ્રાઇવરોને મળશે. ઉપરાંત, ડ્રાઇવરોને માલિકી હક પણ પ્રાપ્ત થશે, જેથી તેમની આવકમાં વધારો થવાની સાથે રોજગારને પણ પ્રોત્સાહન મળશે. બીજી તરફ મુસાફરોને અન્ય ખાનગી ટેક્સી પ્લેટફોર્મની સરખામણીએ કિફાયતી ભાડે ગુણવત્તાસભર સેવા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

યોજનામાં મુસાફરોની સુરક્ષાને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. ભવિષ્યમાં મુસાફરો માટે ₹5 લાખ સુધીના વીમા કવરની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ યોજના છે. આ સંપૂર્ણપણે ભારતીય સ્વદેશી એપ આધારિત સેવા છે, જેને આગામી સમયમાં દેશભરના વિવિધ શહેરોમાં તબક્કાવાર વિસ્તૃત કરવામાં આવશે.

વડોદરા એરપોર્ટ ખાતે યોજાયેલા લોન્ચ કાર્યક્રમમાં વડોદરા ટ્રાફિક ડીસીપી જે.આઈ. વસાવા, એસીપી ડી.એમ. વ્યાસ, એરપોર્ટ ડિરેક્ટર, સીઆઈએસએફના આસિસ્ટન્ટ કમાન્ડર અનિલ કુમારસિંહ તેમજ ભારત ટેક્સીના ક્લસ્ટર મેનેજર કમલ કિશોર સિંહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવી સેવાના હેતુ અને તેના લાભોની માહિતી આપવામાં આવી હતી.

Reporter: admin

Related Post