વડોદરામાં મોડી રાત્રે મકરપુરા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં પૂરપાટ ઝડપે આવતાં કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા મકરપુરા પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામ્બુવા બાયપાસ તરફથી આવતી સરકારી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે મકરપુરા રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેના કારણે રોડ પર ઓઇલ ઢોળાયું હતું. જેથી ચાલુ વરસાદ હોવાના કારણે રોડ ઉપર ઓઇલ ઢોળાઈ જતા એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું હતું. જેથી ગત મોડી રાત્રે શહેરના જામ્બુવા બાયપાસ તરફથી આવતા બાઈક ચાલકને એક સુઝુકી કંપનીની બલેનો ચાલકે પુરપાટ ઝડપે કાર હંકારતા ધડાકાભેર ટક્કર મારી હતી.જેમાં બાઈક સવાર યુવાન ઉછળીને રોડ પર પડતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું.
અકસ્માત સર્જી કાર ચાલક તેની ગાડીને માણેજા ક્રોસિંગ પરથી માણેજા ગામ તરફ જવા વાળા રોડ પર પાર્ક કરીને ત્યાંથી નાસી ગયો હતો. અકસ્માતની ઘટના નજીકમાં આવેલા મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. જેમાં એવું જોવા મળે છે કે, એક કાર ફૂલ સ્પીડમાં હતી અને ટુ-વ્હીલર વાહન ચાલકને ટક્કર મારી ફરાર થઇ જાય છે.ઘટનાની જાણ થતા મકરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરી હતી. મરણ પામનારને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ બોલાવી એસએસજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી અકસ્માત સર્જનાર કાર ચાલકને શોધખોળ કરવાના ચક્રો ગતિમાન કર્યા.
...
Reporter: News Plus