વડોદરામાં ૫૦૧ કિલો કેરીના ભવ્ય આમ્રોત્સવનું આયોજન, ખડાયતા જ્ઞાતિજનો ઉમટ્યા
વડોદરા શહેરના નીતિભુવન ખાતે શ્રી લક્ષ્મીનારાયણ ખડાયતા વણિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિરમાં ખડાયતા જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી કોટીયર્ક પ્રભુ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવના સુખાર્થે પ્રથમ વખત ૫૦૧ કિલો કેરીના ભવ્ય આમ્રોત્સવ (કેરી મનોરથ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી પ્રભુના દર્શનનો લાભ લીધો હતો.મંદિરની સ્થાપના બાદ પ્રથમ વખત યોજાયેલા આ કેરી મનોરથને જ્ઞાતિજનોએ ઉત્સાહભેર આવકાર્યો હતો. કેરીઓથી સુશોભિત કરાયેલા ઠાકોરજીના મનોહર દર્શન કરી ભક્તો અભિભૂત બન્યા હતા. ઉપસ્થિત ભાવિકોએ આવી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ સતત યોજાતી રહે તેમજ સમગ્ર વૈષ્ણવ સમાજને આવા દિવ્ય દર્શનનો લાભ મળતો રહે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમ સર્વ જ્ઞાતિજનોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ખાસ કરીને ઇન્દ્રપ્રસ્થ ખડાયતા ગ્રુપના સભ્યોએ આયોજન અને વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે શ્રી લક્ષ્મીનારાયણ ખડાયતા ટ્રસ્ટ સંચાલિત આ મંદિર ખડાયતા જ્ઞાતિના આસ્થાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. અંદાજે ૧૫૦ વર્ષ જૂના આ મંદિરનો ૧૧ વર્ષ અગાઉ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં છેલ્લા ૧૫૦ વર્ષથી અખંડ દીપ પ્રજ્વલિત છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વસતા હજારો ખડાયતા જ્ઞાતિજનો માટે આ મંદિર શ્રદ્ધા અને ભક્તિનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.
Reporter: admin







