News Portal...

Breaking News :

સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ ચર્ચા અધવચ્ચે અટકી, ઈરાન બેઠક છોડી નીકળ્યું

2026-06-22 13:19:48
સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ ચર્ચા અધવચ્ચે અટકી, ઈરાન બેઠક છોડી નીકળ્યું

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવને શમાવવા માટે સ્વિટ્ઝર્લેન્ડમાં ચાલી રહેલી અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા રવિવારે અચાનક ખોરવાઈ ગઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક નિવેદનો અને સૈન્ય કાર્યવાહીની ખુલ્લી ચેતવણી બાદ ઈરાની પ્રતિનિધિમંડળે બેઠકમાંથી વોકઆઉટ કર્યો હતો. આ ઘટનાએ વૈશ્વિક કૂટનીતિને મોટો ઝટકો આપ્યો છે અને મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઘેરો બન્યો છે.


માહિતી મુજબ, સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઉચ્ચસ્તરીય બેઠકનો હેતુ લેબનાન, હોર્મુઝ જળમાર્ગ અને પ્રોક્સી જૂથોને લઈને ઉભા થયેલા સંઘર્ષમાં શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો હતો. પરંતુ ચર્ચા દરમિયાન જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈરાન વિરુદ્ધ કડક ભાષામાં પોસ્ટ કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન લેબનાનમાં સક્રિય પ્રોક્સી સંગઠનોને રોકવામાં નિષ્ફળ જશે તો અમેરિકા વધુ શક્તિશાળી સૈન્ય હુમલો કરવા પાછળ નહીં હટે. ટ્રમ્પના આ નિવેદનને ઈરાને ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું.

ઈરાની પ્રતિનિધિમંડળના સભ્યોએ સ્પષ્ટ કર્યું હતું કે લેબનાનમાં યુદ્ધવિરામ અને પ્રાદેશિક તણાવ ઘટાડવા માટે અમેરિકા તરફથી સ્પષ્ટ ખાતરી વગર અન્ય મુદ્દાઓ પર ચર્ચા શક્ય નથી. ટ્રમ્પની પોસ્ટ બહાર આવ્યા બાદ ઈરાની પ્રતિનિધિઓએ વિરોધ સ્વરૂપે બેઠક અધવચ્ચે જ છોડી દીધી હતી. ઈરાન તરફથી આ પગલું કડક રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.


ટ્રમ્પે બાદમાં અમેરિકી મીડિયા સાથેની વાતચીતમાં હોર્મુઝ જળમાર્ગ અંગે પણ કડક વલણ દાખવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો અમેરિકા આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર સીધું નિયંત્રણ સ્થાપિત કરવા સક્ષમ છે. હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વના તેલ પરિવહન માર્ગોમાંનો એક ગણાય છે, તેથી આ નિવેદન બાદ વૈશ્વિક બજારોમાં ચિંતા વધી હતી.

ઈરાન તરફથી પણ તીવ્ર પ્રતિક્રિયા આવી હતી. ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફે ટ્રમ્પને શબ્દો પર નિયંત્રણ રાખવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે ઈરાનની સશસ્ત્ર દળો કોઈપણ પ્રકારની અમેરિકી કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. તેમણે અમેરિકાની ધમકીઓને “પોકળ અને રાજકીય દબાણ સર્જવાનો પ્રયાસ” ગણાવ્યો હતો.


આ સમગ્ર ઘટનાક્રમની અસર આંતરરાષ્ટ્રીય બજારોમાં તરત જ જોવા મળી હતી. મધ્ય પૂર્વમાં તણાવ વધવાની આશંકા વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો અને રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી હતી. હાલ વૈશ્વિક નજર એ પર છે કે શું અમેરિકા અને ઈરાન ફરીથી ચર્ચાના ટેબલ પર પાછા ફરશે કે પછી આ તણાવ વધુ મોટા સંઘર્ષમાં બદલાશે.

Reporter: admin

Related Post