ભરૂચ : જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ દહેજ મુકામે નર્મદા પરિક્રમા જેટ્ટી પાસે દરિયામાં ખૂબ મોટી માત્રામાં પીળા કલરના કેમિકલવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે. તે બનાવ સ્થળનો વીડિયો પણ સામેલ કરી સમસ્ત માછી સમાજના પ્રમુખ એડવોકેટ કમલેશ મઢીવાલાએ કાર્યવાહીની માંગ કરી છે.
દરિયા કિનારે છોડવામાં આવી રહેલું આ પીળા કલરના કેમિકલવાળું પાણી જોતાં તે ટ્રીટમેન્ટ કર્યા વગર સીધેસીધું દરિયા કિનારે છોડવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.આ ટ્રીટમેન્ટ કર્યા વગરનું ઝેરી કેમિકલવાળું પાણી સીધું દરિયામાં છોડી દેવાને કારણે દરિયાઈ જીવસૃષ્ટિને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે. અને પર્યાવરણનું નિકંદન થઈ શકે છે. આ પીળા કલરનું ઝેરી કેમિકલવાળું પાણી દહેજના દરિયા કિનારે ખૂબ મોટા વિસ્તારમાં ફેલાઈ ગયું છે અને ભરતીની સાથે આ કેમિકલવાળું પાણી નર્મદા નદીના પીવાના મીઠાં પાણીની સાથે ભળવાની દહેશત પણ વ્યક્ત કરાઈ છે. નર્મદા નદીના પીવાના પાણીની સાથે નદીની પર્યાવરણીય જળચર જીવશ્રુષ્ટિનું ખૂબ મોટું નુકસાન થઈ શકે છે.
જે ખૂબ જ મોટી ગંભીર બાબત ગણાવાય છે.જે રીતે આટલી મોટી માત્રામાં ટ્રીટમેન્ટ કર્યા વગરનું કેમિકલવાળું પાણી દરિયા કિનારે ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યું છે, તે જોતા આ કેમિકલવાળું પાણી છોડનાર કંપનીના સંચાલકો દ્વારા કાયદો અને નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. તેઓને કાયદાનો કે કાયદાનું પાલન કરાવનાર અધિકારીઓનો કોઈ દર રહેલો હોય તેવું લાગી રહેલું નથી.ઝેરી કેમિકલવાળું પાણી ખુલ્લેઆમ છોડવાને લીધે પર્યાવરણ અને જીવસૃષ્ટિનું ગંભીર નુકશાન પહોંચાડેલુ છે અને બનાવવાળા આજુબાજુના આખા વિસ્તારમાં હવા, જમીન, ભૂગર્ભ જળ તથા દરીયામાં ભયંકર પ્રદુષણ ફેલાવીને તથા આજુબાજુના વિસ્તારના લોકોની અને માછીમારોની તંદુરસ્તીને પણ ગંભીર નુકસાન પહોંચાડેલ છે. આ બનાવમાં સામેલ જવાબદાર તમામ કંપનીના સંચાલકોની સામે કાયદેસરની FIR દાખલ થાય. પર્યાવરણ, જીવસૃષ્ટિ અને લોકોને થયેલા નુકશાનીનો સર્વે કરાવી તેની વસુલાત કરવામાં આવે. તે માટે રજુઆત કરવામાં આવી છે.પીળા કેમિકલવાળું પાણી એટલી બધી મોટી માત્રામાં દરિયામાં છોડવામાં આવી રહ્યું છે કે, જેને લીધે દરિયાની ઉઠી રહેલી લહેરો પણ પીળા કલરની દેખાય રહી છે.
Reporter: admin