અમદાવાદ: મહત્ત્વની સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે.
આજે (છઠ્ઠી એપ્રિલ) વહેલી સવારે શહેરની મુખ્ય RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત ધમકી મળતા તંત્ર અને પોલીસ દોડતું થયું હતું. ધમકીભર્યા સંદેશાને પગલે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી, જેના કારણે અરજદારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ધમકીની જાણ થતાં જ RTO સત્તાધીશોએ રાણીપ પોલીસનો સંપર્ક કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સંભવિત જોખમને ટાળવા માટે તાત્કાલિક ધોરણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને વિવિધ કામકાજ અર્થે આવેલા અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટ્રેક પર ટેસ્ટ આપવા આવેલા અનેક ઉમેદવારોની કામગીરી પણ અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી અને સલામતી ખાતર તેમને પરત મોકલી દેવાયા હતા.હાલમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદથી RTO કચેરીના દરેક રૂમ, લોબી, પાર્કિંગ એરિયા અને ટ્રેક વિસ્તારની ખૂણેખૂણે તપાસ કરવામાં આવી રહી છે. ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ધમકી ક્યાંથી અને કોણે મોકલી છે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
Reporter: admin







