વડોદરા : શહેર નજીક અંકોડીયા ગામની કેનાલમાં ડૂબી જતા ગોત્રી મેડિકલ કોલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીના ડૂબી જતા કરૂણ મોત નિપજ્યા હતાં.

આ અંગેની વિગત એવી છે કે સુરતના રહેવાસી આદિત્ય રામાકૃષ્ણન ઐયર (ઉ.વ.૨૧) અને જામનગરનો રહીશ પ્રેમ પ્રવિણભાઇ માતંગ (ઉ.વ.૨૧) બંને ગોત્રી મેડિકલ કોલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં હતાં. આજે તેઓ તેમની સાથે અભ્યાસ કરતા અન્ય બે મેડિકલ વિદ્યાર્થીઓ સંકેત નહટો અને અંશ પારગી સાથે ફરવા માટે ગયા હતાં.ચારેય મિત્રો અંકોડીયા નર્મદા કેનાલ પાસે ઊભા હતા તે વખતે એક વિદ્યાર્થીનું ચંપલ કેનાલમાં પડી ગયુ હતું.

ચંપલ લેવા જતાં કેનાલમાં આદિત્ય અને પ્રેમ બંને કેનાલમાં ડૂબી ગયા હતાં. દરમિયાન કેનાલની બહાર ઊભેલા બંને મિત્રોએ બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરોની ટીમ પણ સ્થળ પર આવી ગઇ હતી. ભારે શોધખોળ બાદ બંનેના મૃતદેહો કેનાલમાંથી મળ્યા હતાં.બનાવની જાણ થતાં તાલુકા પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર દોડી ગયો હતો અને બંનેના મૃતદેહોને પીએમ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા હતા.

Reporter: admin