News Portal...

Breaking News :

લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં બે ઇસમોના ઘટના સ્થળે મોત

2024-06-27 14:36:50
લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં બે ઇસમોના ઘટના સ્થળે મોત


ભરૂચ : જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર અકસ્માતો ચિંતાજનક બન્યા છે. આવા અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા છે.


બેરોકટોક અને પુર ઝડપે દોડતા વાહનો સામે લાલ આંખ કરવાની જરૂર જણાય છે. અકસ્માતોની પરંપરાને યથાવત રાખતી એક ઘટનામાં તાલુકાના ગોવાલી ગામ નજીક એક લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે ઇસમોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામના રહીશ ટીનીયાભાઇ ઠાકોરભાઇ વસાવા ઉંમર વર્ષ ૩૬ ના તેમજ ફળિયામાં રહેતા અને મુળ ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ગામના રહીશ બાબુભાઈ દુર્લભભાઇ વસાવા ઉંમર વર્ષ ૫૪ ના,બન્ને ઇસમો સવારના મોટરસાયકલ લઇને તરીયા ધંતુરિયા ગામે મજુરીકામ કરવા જવા માટે નીકળ્યા હતા, ટીનીયાભાઇ મોટર સાયકલ ચલાવતા હતા અને બાબુભાઇ પાછળ બેઠા હતા.


આ લોકો સવારના છ વાગ્યાના અરસામાં ગોવાલી ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે એક લક્ઝરી બસ તેમની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટીનીયાભાઇના બન્ને પગ બસ નીચે આવી ગયા હતા તેમજ માથાના ભાગે પણ ગંભીર ઇજા થઇ હતી. મોટરસાયકલ પર બેઠેલ અન્ય ઇસમ બાબુભાઇને પણ માથા પગ તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર  ઇજાઓ થઇ હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર ટીનીયાભાઇ ઠાકોરભાઇ વસાવા તેમજ બાબુભાઇ દુર્લભભાઇ વસાવા બન્ને ઇસમો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ હોઇ તેઓના ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યા હતા.

Reporter: News Plus

Related Post