નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ બે એપ્રિલે ભારત સહિત અનેક દેશો પર ઝિંકાવાનો છે. તેનાથી વૈશ્વિક સ્તરે ટ્રેડ યુદ્ધ શરૂ થવાની સંભાવના છે. ટ્રમ્પનો દાવો છે કે ટેરિફથી અમેરિકાને અંદાજે ૧૦૦ અબજ ડોલરનો લાભ થશે.
ટ્રમ્પે સૌથી પહેલાં કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ નાંખ્યા હતા, જેને પગલે આ દેશોએ ટ્રમ્પ સામે શિંગડા ભરાવ્યા હતા. બીજીબાજુ ભારતે ટ્રમ્પ સામે ટ્રેડ વોર ટાળવાનો વિકલ્પ અપનાવ્યો છે, જેથી હવે ટ્રમ્પે સંકેત આપ્યા છે કે બે એપ્રિલથી સમગ્ર દુનિયામાં રેસિપ્રોકલ ટેરિફનો અમલ શરૂ થશે ત્યારે અમેરિકા ભારતને ચીન, કેનેડા, મેક્સિકોની હરોળમાં નહીં મૂકે અને તેને અલગ ટેરિફ કેટેગરીમાં રાખશે.ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો સરળતાથી આગળ વધી રહી છે, પરંતુ અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફ માટે બે એપ્રિલની સમય મર્યાદા પહેલા મડાગાંઠના ઉકેલના કોઈ સંકેત મળતા નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમેરિકા નવું ટેરિફ માળખાનો તબક્કાવાર અમલ કરી શકે છે અને ઊંચી માગવાળા સામાન પર ટેરિફમાં ઘટાડો જોવા મળી શકે છે. અમેરિકાના આ પ્રયાસથી ભારતને કેટલાક સેક્ટર્સમાં મોટી રાહત મળી શકે છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોથી આગામી ત્રણ દિવસમાં નવા સોદાની રૂપરેખાને અંતિમરૂપ અપાઈ શકે છે.મીડિયા રિપોર્ટ મુજબ ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર વાતચીત કરવા માટે ભારતી અધિકારીઓએ અમેરિકન અધિકારીઓ સાથે તેમની પહેલી વ્યક્તિગત બેઠક કરી છે. ખાસ વાત એ છે કે આ બેઠક બે એપ્રિલની સમય મર્યાદા પહેલા થઈ હતી.
Reporter: admin