ટ્રમ્પના એક નિવેદને બજારોમાં જાદુ: સેન્સેક્સ-નિફ્ટી દોડ્યા, સોનું-ચાંદી ચમક્યા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર મોટા હુમલાની ધમકી આપ્યા બાદ વૈશ્વિક સ્તરે ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. જોકે ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે ઈરાન સાથે ડીલ થઈ ગયાની વાત કરતા રોકાણકારોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. આ ઘટનાની સીધી અસર વિશ્વભરના શેરબજારો અને કોમોડિટી માર્કેટમાં જોવા મળી રહી છે.ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. ગઈકાલે 73,832.55 પોઈન્ટ પર બંધ થયેલો સેન્સેક્સ આજે બજાર ખુલતાની સાથે જ 1,000થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે આગળ વધ્યો હતો. સમાચાર લખાય ત્યાં સુધી સેન્સેક્સ 74,834ની સપાટીએ પહોંચ્યો હતો. બીજી તરફ, ગઈકાલે 23,161.60 પોઈન્ટ પર બંધ થયેલો નિફ્ટી આજે 23,455.95ની સપાટીએ પહોંચતાં તેમાં આશરે 294 પોઈન્ટનો વધારો નોંધાયો હતો.કિંમતી ધાતુઓના બજારમાં પણ તેજીનો માહોલ રહ્યો હતો. ગઈકાલે 1,48,932 રૂપિયા પર બંધ થયેલું સોનું આજે 1,668 રૂપિયાના ઉછાળા સાથે 1,50,600 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું હતું.
ચાંદીમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી હતી. ગઈકાલે 2,39,653 રૂપિયા પર બંધ થયેલી ચાંદી આજે 2,44,817 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી હતી, એટલે કે તેમાં 5,164 રૂપિયાથી વધુનો વધારો નોંધાયો હતો.બીજી તરફ વૈશ્વિક અર્થતંત્ર માટે રાહતના સમાચારરૂપે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે 95 ડૉલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચેલું બ્રેન્ટ ક્રૂડ આજે ઘટીને 88.93 ડૉલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. આ ઘટાડો તેલ આયાત પર નિર્ભર દેશો માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે.વિદેશી વિનિમય બજારમાં પણ ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો. ગઈકાલે ડૉલર સામે નબળો પડી 96ની સપાટીની નજીક પહોંચેલો રૂપિયો આજે સુધરીને ફરી 95ની આસપાસ આવી ગયો હતો. ટ્રમ્પના નિવેદન બાદ સર્જાયેલી વૈશ્વિક રાહતની લાગણી રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરતી જોવા મળી રહી છે.
Reporter: admin







